લિલિયામાં રેલવે ગેટમેન પર બે અજાણ્યા શખસોનો જાનલેવા હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મારી ચા ઠંડી થાય છે, ફાટક ખોલ
ફાટક બંધ રાખતા ગિન્નાયેલા બાઇકચાલકે સાથી સાથે મળી કેબિનમાં ઘૂસી ગેટમેનને કડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર - લિલિયા મોટા રેલવે ફાટક નંબર ૪૧ પર ફરજ બજાવતા રેલવે ગેટમેન પર રાત્રિના સમયે બે અજાણ્યા શખસોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ટ્રેન પસાર થવાની હોવાથી ફાટક બંધ કરવા જેવી સામાન્ય બાબતે ખીજાયેલા બાઇકચાલકે આ હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના અને હાલ લિલિયા ખાતે રહેતા ૪૬ વર્ષીય મન્સારામ કાશીનાથ દહીવલે રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં ગેટમેન તરીકે નોકરી કરે છે. તારીખ ૮ ઓક્ટોબરની રાત્રિથી ૯ ઓક્ટોબરની સવાર સુધી તેઓ લિલિયા રેલવે ફાટક નં. ૪૧ પર ફરજ પર હતા. રાત્રિના આશરે દોઢ વાગ્યાના સુમારે લિલિયા સ્ટેશન તરફથી વેગન ટ્રેન આવવાની હોવાથી સિગ્નલ મળતા તેમણે ફાટક બંધ કર્યું હતું.દરમિયાન, લિલિયા ગામ તરફથી આવેલ એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે મારી ચા ઠંડી થાય છે, તું ફાટક ખોલ તેમ કહી ગાળો આપવાનું શરૃ કર્યું હતું. ગેટમેને ટ્રેન પસાર થયા બાદ જ ફાટક ખુલશે તેમ કહેતા તે શખસ ખિજાઈ ગયો હતો. ફાટક ખુલ્યા બાદ પીપળવા તરફ ગયેલો આ શખસ પાંચ જ મિનિટમાં અન્ય એક ઇસમ સાથે પરત ફર્યો હતો.બંને શખસોએ ગેટમેનની કેબિનમાં ઘૂસીને તેમની સાથે મારામારી કરી હતી. એક શખસે ગેટમેનને પકડી રાખ્યા હતા જ્યારે મુખ્ય આરોપીએ હાથમાં પહેરેલું કડું જમણી આંખ પર મારી દેતા ગેટમેન લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલાખોરોએ અમે નીકળીએ એટલે ફાટક ખોલી નાખવાનું, નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ઘટના બાદ ઈજાગ્રસ્ત ગેટમેને ઈનચાર્જ એન્જિનિયર અને સ્ટેશન માસ્તરને જાણ કરતા તેમને તાત્કાલિક લિલિયા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધોળા રેલ્વે પોલીસ મથકે બે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




