Bhavnagar

મોતીતળાવમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવક પર બે શખ્સનો ઘાતક હુમલો

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં મોતીતળાવ વિસ્તારમાં પ્રેમપ્રકરણની અદાવતમાં લોહિયાળ હુમલો થયો છે. 20 વર્ષીય મયુર મકવાણાના ઘરમાં ઘૂસી, સાગર રાઠોડ અને અભિ મકવાણા નામના 2 શખ્સોએ છરીના ઘા ઝીંક્યા. પેટના ભાગે ગંભીર ઈજા થતાં આંતરડા બહાર નીકળી ગયા હતા. યુવક સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોતીતળાવમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવક પર બે શખ્સનો ઘાતક હુમલો

ઘરમાં ઘૂસી પેટમાં છરીના ઘા ઝીંકાયા, સ્થિતિ ગંભીર

યુવતીના ભૂતપૂર્વ પ્રેમીના મિત્રોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો, આંતરડા બહાર નીકળી જતાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભાવનગર -  ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. અગાઉની પ્રેમપ્રકરણની અદાવત અને મનદુઃખની દાજ રાખી બે અસામાજિક તત્વોએ ૨૦ વર્ષીય યુવકના ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ છરી વડે પેટ અને પડખાના ભાગે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકના આંતરડા બહાર નીકળી આવ્યા હતા, જેને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત અત્યંત નાજુક જણાતા ઓપરેશન થિયેટરમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાની વિગત મુજબ, મોતીતળાવ મોગલમાના મંદિર પાસે રહેતા ૨૦ વર્ષીય મયુરભાઈ પ્રફુલભાઈ મકવાણા પોતાના ઘરે જમવાનું બનાવી રહ્યા હતા. તે સમયે કરચલીયાપરા વિસ્તારમાં રહેતા સાગર મહેશભાઈ રાઠોડ અને અભિભાઈ અજયભાઈ મકવાણા નામના બે શખ્સો હાથમાં ખુલ્લી છરીઓ સાથે મયુરના ઘરમાં ઘૂસી ગયા હતા. બન્નેએ અમારી સામે કેમ કાતરો મારે છો અને વળખાઈને ચાલે છો કહી ગાળો ભાંડી હતી અને આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી આડેધડ છરીના ૨ થી ૩ ઘા પેટ તથા પડખામાં ઝીંકી દીધા હતા.મયુરની જે યુવતી સાથે સગાઈ (વૈવિશાળ) થઈ હતી, તેને સગાઈ પહેલાં આરોપીના મિત્ર કાતક સાથે પ્રેમ સંબંધ હતો. મિત્રના આ પ્રેમપ્રકરણની દાજ રાખી સાગર અને અભિએ મયુર સાથે અગાઉ બોલાચાલી કરી મનદુઃખ રાખ્યું હતું અને અંતે આ લોહિયાળ હુમલો કર્યો હતો.લોહીલુહાણ હાલતમાં મયુર ઘર બહાર દોડી આવતાં તેની માતા નયનાબેન, દાદી અને પાડોશીઓ દોડી આવ્યા હતા. હુમલાખોરો પોતાના મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મયુરને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંગાજળીયા પોલીસે નયનાબેન મકવાણાની ફરિયાદના આધારે સાગર રાઠોડ અને અભિ મકવાણા વિરુદ્ધ બી.એન.એસ કલમ ૧૧૮(૨), ૩૩૨(બી), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ અને જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.