લાખણકા ગામના બે હીરા કારખાનેદારો સાથે રૃ.૪.૩૯ લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બે ઠગ સામે ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
હીરા ઘસવાની મજૂરીના નાણાં ન ચૂકવી જાનથી મારી નાખવાની ધમકી
ગઢડા - બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામમાં હીરાનું કારખાનું ચલાવતા રમેશભાઈ ભગવાનભાઈ વાઘેલા અને રાજેશભાઈ કાસોદરીયા સાથે રૃ. ૪.૩૯ લાખથી વધુની નાણાકીય છેતરપિંડી અને ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ભાવનગરના ચોગઠ ગામના બે શખ્સો સામે ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ધર્મેશ હિંતભાઈ ડાભી અને સુરેશ ડાભી (રહે. ચોગઠ, તા. ઉમરાળા, જી. ભાવનગર) નામના શખ્સોએ પોતાની સાચી ઓળખ છુપાવી, પોતાને પટેલ તરીકે ઓળખાવી વિશ્વાસ કેળવ્યો હતો. તેમણે હીરા ઘસવાના મજૂરીકામ પેટે રૃ. ૨૩ પ્રતિ નંગ આપવાનું નક્કી કરી કારખાનેદારોને હીરા આપ્યા હતા.મે થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન રમેશભાઈ વાઘેલાના મજૂરીકામના રૃ. ૩,૧૮,૪૯૪ અને રાજેશભાઈ કાસોદરીયાના રૃ. ૧,૨૦,૬૧૨ મળીને કુલ રૃ. ૪,૩૯,૧૦૬ બાકી નીકળતા હતા. અવારનવાર ઉઘરાણી કરવા છતાં બંને શખ્સે બહાના બતાવી નાણાં ચૂકવ્યા ન હતા અને છેવટે હવે રૃપિયા માગશો તો જીવતા નહીં રહેવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે ગઢડા પોલીસે બી.એન.એસની કલમ ૩૧૮(૪), ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.




