બ્રેક ફેઈલ થતાં ટ્રક કોમ્પ્લેક્ષમાં ઘૂસ્યો, સળિયા નીચે દબાઈ જવાથી ડ્રાઈવરનું દર્દનાક મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિહોરમાં કાળ બનીને ધસી આવેલા ટ્રકે મચાવી તબાહી
૩૦ થી ૪૦ ટન લોખંડના સળિયા ભરેલો ટ્રક સુરકાના ડેલા પાસે ઢાળ ઉતરતી વખતે બેકાબૂ બન્યો,૭ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરનો મૃતદેહ બહાર કઢાયો, ક્લીનર ગંભીર
સિહોર - સિહોર શહેરના ઐતિહાસિક અને ધમધમતા સુરકાના ડેલા નજીક ગઈકાલે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાળ સમાન ધસી આવેલા અને આશરે ૩૦ થી ૪૦ ટન વજનદાર લોખંડના સળિયા તેમજ અન્ય સામાનથી ખચોખચ ભરેલા ટ્રકની બ્રેક અચાનક ફેઈલ થઈ જતાં, ટ્રક ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ આ રાક્ષસી ટ્રક સામે આવેલા વસાહતી મકાન તેમજ કોમ્પ્લેક્ષમાં આવેલી ભંગાર અને હોસ્પિટલની દુકાનોને રોંધીને અંદર ઘૂસી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં ટ્રકની કેબિનમાં લોખંડના ભારેખમ સળિયા નીચે દબાઈ જવાથી યુવાન ડ્રાઈવરનું કરૃણ મોત નીપજ્યું હતું, જ્યારે ક્લીનર ગંભીર રીતે ઘવાયો હતો.
મળતી વિગતો અનુસાર, ટાણા બાજુથી આવી રહેલો આ લોખંડના સળિયા ભરેલો ટ્રક રાત્રે આશરે ૧૦થ૩૦ વાગ્યાના સુમારે સુરકાના ડેલા નજીકના ભયાનક ઢાળ પરથી ઉતરી રહ્યો હતો. તે જ ક્ષણે વાહનની બ્રેક ફેઈલ થઈ જતાં ડ્રાઈવર માટે ટ્રકને નિયંત્રિત કરવો અશક્ય બન્યો હતો. અનિયંત્રિત બનેલો ટ્રક ભયાનક અવાજ સાથે સીધો દુકાનો અને મકાનમાં ખાબક્યો હતો. અકસ્માતના જોરદાર ધડાકા અને અફરાતફરીને કારણે સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને દહેશતનો માહોલ છવાઈ ગયો હતો.આ ગોઝારા અકસ્માતમાં ટ્રક ચાલક ગારિયાધારના રહીશ રાજુભાઈ જગમાલભાઇ પરમાર (ઉંમર વર્ષ ૨૬ )નું ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.અને લોખંડના ભારેખમ સળિયા હેઠળ દબાઈ જવાથી સ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકમાં ક્લીનર તરીકે સવાર જીતેન્દ્રસિંહ મોરી (રહે. બુઢણા) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતાં જ સ્થાનિક લોકોએ હિંમત દર્શાવી ક્લીનરને તાત્કાલિક બહાર કાઢી સિહોર સરકારી હોસ્પિટલ પહોંચાડયા હતા, જ્યાંથી તેમની નાજુક સ્થિતિને ધ્યાને લઈ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.પોલીસ પ્રશાસન, નગરપાલિકાની ટીમ અને સ્થાનિક સેવાભાવી નાગરિકોના ભગીરથ સહિયારા પ્રયાસોથી સતત ૭ કલાકની મહામહેનત બાદ વહેલી સવારે ૫થ૦૦ કલાકે ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો.જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે દુકાનો બંધ હતી. આ સિવાય ટ્રક જે મકાન અને કોમ્પ્લેક્ષમાં ઘૂસ્યો ત્યાં રહેતા લોકોનો પણ આબાદ બચાવ થયો હતો. જો આ ઘટના દિવસના ધમધમતા સમયે બની હોત તો મોટી ખુવારી સર્જાઈ હોત. હાલ સિહોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૨ ક્રેન અને ૩ જેસીબીની મદદથી ૭ કલાક ચાલ્યું જંગ-એ-રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં જ સિહોર પોલીસ સ્ટેશનનો કાફલો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રકની કેબિન તેમજ લોખંડના સળિયા દુકાનોની અંદર સુધી ઘૂસી ગયા હોવાથી દબાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાનું કામ અત્યંત જોખમી અને પડકારજનક બન્યું હતું. બચાવ કામગીરી માટે ૨ વિશાળ ક્રેન તેમજ નગરપાલિકાના જેસીબી સહિત એકત્ર કરાયેલા કુલ ૩ જેસીબી મશીનોની મદદ લેવાઈ હતી.




