જંતર-મંતર કૂચ: ધક્કામુક્કી, ઘર્ષણ, ટીંગાટોળી બાદ રાહુલ-પ્રિયંકા ગાંધી મુક્ત, 2 કલાકની અટકાયત પછી બહાર આવ્યા વિપક્ષી નેતાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jantar Mantar Protest : દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકનું વિરોધ પ્રદર્શન હાઇવોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગયું હતું. જંતર-મંતર જવા નીકળેલી વિપક્ષી સાંસદોની કૂચને પોલીસે અધવચ્ચે રોકી દેતાં જોરદાર ઘર્ષણ થયું હતું. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના અગ્રણી નેતાઓની પોલીસે બળપ્રયોગ કરીને અટકાયત કરી લીધી હતી. પ્રિયંકા ગાંધીએ મહિલા પોલીસકર્મીઓ પર નખ મારવાનો અને જમીન પર પટકી દેવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને વિરોધમાં રસ્તા પર સૂઈ ગયા હતા. જોકે, આશરે 2 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદોને મુક્ત કરી દીધા છે.
પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પણ પોલીસે મુક્ત કર્યા
છત્રસાલ સ્ટેડિયમમાં રાખવામાં આવેલા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા સહિતના તમામ વિપક્ષી નેતાઓ અને સાંસદોને દિલ્હી પોલીસે આશરે 2 કલાકની અટકાયત બાદ મુક્ત કરી દીધા છે. કોંગ્રેસે આ પોલીસ કાર્યવાહીને લોકશાહી અને બંધારણનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો, જ્યારે ભાજપે વિપક્ષ પર અરાજકતા ફેલાવવાનો વળતો આક્ષેપ કર્યો હતો.
પ્રિયંકા ગાંધી અને મહુઆ મોઇત્રા સહિતના સાંસદોને છત્રસાલ સ્ટેડિયમ રખાયા હતા
જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કસ્ટડીમાં લીધેલા INDIA બ્લોકના નેતાઓ અને સાંસદોને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યા હતા. આ અસ્થાયી અટકાયત કેન્દ્રમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને TMC સાંસદ મહુઆ મોઇત્રા સહિતના અનેક વિપક્ષી નેતાઓ હાજર હતા.
રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાયા
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશનના બીજા દરવાજેથી બહાર કાઢવામાં આવ્યા હતા. મુખ્ય દરવાજા પર કાર્યકરોની ભારે ભીડ, સૂત્રોચ્ચાર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી સુરક્ષાના કારણોસર તેમને બીજા ગેટથી રવાના કરાયા હતા. તેમની સાથે માત્ર પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સ જ હાજર હતા અને દિલ્હી પોલીસના જવાનો ન હોવાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે પોલીસે તેમને કસ્ટડીમાંથી મુક્ત કરી દીધા છે, ત્યારબાદ તેમનો કાફલો ત્યાંથી રવાના થઈ ગયો હતો.
રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશને લવાયા, કેરળના મુખ્યમંત્રી પણ હાજર
દિલ્હી પોલીસ દ્વારા ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધીને બારાખંભા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાં પોલીસનો કડક પહેરો ગોઠવી દેવાયો હતો અને કેરળના મુખ્યમંત્રી પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ ગાંધીને બારાખંભા સ્ટેશને લઈ જવાની કાર્યવાહી
પોલીસ બસ પંચર થવાની ઘટના બાદ સુરક્ષા દળોએ રાહુલ ગાંધીને અન્ય સુરક્ષિત માર્ગેથી સીધા બારાખંભા પોલીસ સ્ટેશન તરફ લઈ જવાની કવાયત હાથ ધરી હતી.
બસ પંચર થતાં રાહુલ ગાંધીને બીજી બસમાં બેસાડવા પડ્યા
કોંગ્રેસ કાર્યકરો દ્વારા પોલીસ બસના ટાયર પંચર કરી દેવાતાં રાહુલ ગાંધીને તે બસમાંથી નીચે ઉતારીને દિલ્હી પોલીસે બીજી બસમાં બેસાડીને આગળ લઈ જવાની ફરજ પડી હતી.
રાહુલ ગાંધીને લઈ જતી પોલીસ બસ કાર્યકરોએ પંચર કરી
પોલીસ જે બસમાં રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓને બેસાડીને લઈ જઈ રહી હતી, તે બસને કોંગ્રેસના આક્રોશિત કાર્યકરોએ અધવચ્ચે ઘેરી લીધી હતી અને આગળ વધતી રોકવા માટે તેના ટાયર પંચર કરી નાખ્યા હતા. રાહુલ ગાંધીને છત્રસાલ સ્ટેડિયમ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કાર્યકરોના આ આક્રમક વિરોધને પગલે રસ્તા પર ભારે અફરાતફરી સર્જાઈ હતી અને પોલીસ કાફલો થોડા સમય માટે ત્યાં જ થંભી ગયો હતો.
અટકાયત બાદ પણ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર વિપક્ષ મક્કમ
પોલીસ દ્વારા વિપક્ષી નેતાઓની અટકાયત કરી લેવા છતાં INDIA બ્લોકનો આક્રોશ યથાવત્ છે. ચૂંટણી પંચ સામે મોરચો માંડીને બેઠેલા સાંસદોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્ઞાનેશ કુમાર જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ આંદોલન અટકશે નહીં.
રાહુલ ગાંધી સહિતના અટકાયત કરાયેલા નેતાઓ સાથે બસ રવાના થઈ
વિરોધ સ્થળેથી અટકાયત કરાયા બાદ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય તમામ વરિષ્ઠ વિપક્ષી સાંસદોને ભરેલી દિલ્હી પોલીસની બસ ઘટનાસ્થળેથી રવાના થઈ ગઈ હતી અને તમામને સુરક્ષિત સ્થળે કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા હતા.
જંતર-મંતરથી INDIA બ્લોકના સાંસદોને પોલીસે ખસેડ્યા
જંતર-મંતર પાસે થયેલી ભારે અફરાતફરી અને ઘર્ષણ બાદ પોલીસે સમગ્ર સ્થિતિ કાબૂમાં લેવા માટે રાહુલ ગાંધી સહિત INDIA બ્લોકના તમામ સાંસદોને વાહનોમાં બેસાડીને વિરોધ સ્થળ પરથી દૂર લઈ જવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
અટકાયત બાદ રાહુલ ગાંધીને તાત્કાલિક બસમાં બેસાડી લઈ જવાયા
દિલ્હી પોલીસે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરી લીધા બાદ તેમને સ્થળ પર રોકવાને બદલે તાત્કાલિક પોલીસ બસમાં બેસાડીને આગળ રવાના કરી દીધા હતા.
પ્રિયંકા ગાંધીને જમીન પરથી ઉઠાવીને પોલીસે કસ્ટડીમાં લીધા
જંતર-મંતર નજીક રસ્તા પર સૂઈને વિરોધ કરી રહેલા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાને હટાવવા માટે દિલ્હી પોલીસના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે મહિલા પોલીસકર્મીઓએ ભારે સંઘર્ષ બાદ તેમને જમીન પરથી ઉઠાવીને અટકાયતમાં લીધા હતા.

રાહુલ ગાંધીને બળજબરીપૂર્વક ખસેડીને બસમાં બેસાડ્યા
જંતર-મંતર નજીક પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે જબરદસ્તીથી રસ્તા પરથી ખસેડ્યા હતા. પોલીસકર્મીઓ તેમને બળપૂર્વક ખેંચીને લઈ ગયા હતા અને વિરોધ વચ્ચે પોલીસ બસમાં પૂરી દીધા હતા.

સાંસદો પર લાઠીચાર્જ અને મારપીટનો ગંભીર આક્ષેપ
જંતર-મંતર પાસે અટકાયત દરમિયાન સ્થિતિ બેકાબૂ બની હતી. INDIA બ્લોકના સાંસદોએ સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમની સાથે મારપીટ કરી છે અને તેમને કૂચ કરતાં બળજબરીથી રોકવામાં આવ્યા છે. આ ઘર્ષણ વચ્ચે જ પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી હતી.
અશોકા રોડ પર બસ રોકાતાં જ રાહુલ અને પ્રિયંકા ગાંધી નીચે ઊતર્યા
જંતર-મંતર જઈ રહેલા વિપક્ષી સાંસદોની બસને સુરક્ષાકર્મીઓએ અશોકા રોડ પર રોકી લેતાં તણાવ વધી ગયો હતો. માર્ગ બંધ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બસમાંથી નીચે ઊતરી આવ્યા હતા.
'શું આ સાચી રીત છે?': પ્રિયંકા ગાંધીએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા
પોલીસે બસો રોકી દેતાં અને આગળ વધવાની મંજૂરી ન આપતાં પ્રિયંકા ગાંધીએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયા સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, "શું આ જ સાચી રીત છે? તમે જોઈ શકો છો કે આ પોલીસવાળાઓ શું કરી રહ્યા છે…"
FIR બાદની વાત, પહેલાં સરકાર જવાબ આપે: રેણુકા ચૌધરી
આકાશવાણી ભવનમાં પરવાનગી વિના પ્રવેશવાના આરોપસર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે નોંધાયેલી FIR અંગે કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "FIR તો પછીની વાત છે, પહેલાં 'SIR' (સરકાર) દેશ સમક્ષ પોતાનો જવાબ આપે."
રાહુલ ગાંધીએ સાંસદો સાથે રસ્તો સાફ કરવાનો પ્રયાસ કર્યો
જંતર-મંતર તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવતાં રાહુલ ગાંધીએ પોતે INDIA બ્લોકના સાંસદો સાથે મળીને બેરિકેડ્સ ખસેડીને રસ્તો ક્લિયર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને પોલીસ સાથે ભારે ઝપાઝપી થઈ હતી.
ખડગે, રાહુલ અને પ્રિયંકા સહિતના નેતાઓની બસ અધવચ્ચે રોકી દેવાઈ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના વિપક્ષી સાંસદો ભરેલી બસ જંતર-મંતર તરફ આગળ વધી રહી હતી ત્યારે સુરક્ષાકર્મીઓએ ચારેય તરફથી ઘેરીને તેને રસ્તામાં જ અટકાવી દીધી હતી.
બસો રોકાતાં અશોકા રોડથી પગપાળા આગળ વધ્યા રાહુલ ગાંધી
સુરક્ષા દળોએ અશોકા રોડ પર વિપક્ષી સાંસદોની બસો રોકી દેતાં રાહુલ ગાંધીએ બસમાંથી ઊતરીને પગપાળા જ જંતર-મંતર તરફ કૂચ કરવાનું શરૂ કરી દીધું હતું.
જંતર-મંતર તરફ કૂચ દરમિયાન સાંસદો અને સુરક્ષા દળોનો ભારે જમાવડો
જંતર-મંતર તરફ આગળ વધી રહેલા રાહુલ ગાંધીની આસપાસ INDIA બ્લોકના સાંસદો અને વિશાળ સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત જોવા મળ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.
જનપથ ખાતે લંચ કર્યા બાદ વિપક્ષી સાંસદો જંતર-મંતર જવા રવાના થયા
જનપથ ખાતે લંચ પતાવ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને વિપક્ષના અન્ય તમામ સાંસદો CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે બસોમાં સવાર થઈને જંતર-મંતર તરફ નીકળ્યા હતા.
'CEC રાજીનામું આપે, FIR મારા માટે મેડલ': કૂચ પહેલાં રાહુલ ગાંધીનો પ્રહાર
જંતર-મંતર તરફ આગળ વધતાં પહેલાં રાહુલ ગાંધીએ સરકાર અને પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "ગઈકાલે અમે ચૂંટણી પંચને મળવા માંગતા હતા, પણ તેઓ મળ્યા નહીં અને પોલીસે અમને અટકાવ્યા. પીએમ મોદી, અમિત શાહ અને RSS પ્રમુખ મોહન ભાગવતે લોકશાહીને નબળી પાડી છે. CEC જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે. મારી સામે પહેલેથી જ 45 જેટલી FIR નોંધાયેલી છે, મારો ટાર્ગેટ 100 FIRનો છે અને આ તમામ FIR મારા માટે સન્માનના મેડલ સમાન છે. અમે ડરવાના નથી."
'પોલીસવાળાઓએ મને ઠેર-ઠેર નખ માર્યા': પ્રિયંકા ગાંધીનો આક્રોશ
રસ્તા પર સૂઈને વિરોધ કરી રહેલા પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતાં આક્રોશ સાથે કહ્યું: "તેઓ (પોલીસકર્મીઓ) એવા સાંસદો સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે જેઓ માત્ર ચૂંટણી કમિશનરને મળવા દેવાની માંગ કરી રહ્યા છે. તેઓ અમારી સાથે આવું જ વર્તન કરે છે અને સાંસદોને પીટી રહ્યા છે. મહિલા પોલીસવાળાઓએ મને ઠેર-ઠેર નખ મારી લીધા છે (ઉઝરડા કર્યા છે). તેઓએ અમને જમીન પર પટકી દીધા. હવે અમે અહીંથી નહીં હલીએ. તેમને તેમની આખી સેના બોલાવી લેવા દો, હું અહીંથી એક ડગલું પણ પાછળ નહીં હટું."
ખડગે અને પવન ખેડાનું નિવેદન: 'લોકોના અધિકાર માટે લડત ચાલુ રહેશે'
મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ અધ્યક્ષ) : તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ લોકશાહી બચાવવા માટે લડી રહ્યો છે અને ચૂંટણી પંચ સામેનો આ વિરોધ માત્ર દિલ્હી પૂરતો સીમિત નહીં રહે, સમગ્ર દેશના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવશે.
પવન ખેડા (કોંગ્રેસ નેતા) : "સંસદ અને રસ્તા પર લડી રહેલા આ સાંસદો દેશના 64% લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અમારા માટે પોલીસ કાર્યવાહી કે FIR એ ડર નહીં પરંતુ સન્માનનું પ્રતીક છે."
દેવેન્દ્ર યાદવ સહિત અનેક કાર્યકરો પણ કસ્ટડીમાં
વિપક્ષના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. અગાઉ જંતર-મંતર ખાતે પહોંચેલા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવ સહિત કોંગ્રેસ અને આપ(AAP)ના સંખ્યાબંધ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. બીજી તરફ, કાશ્મીરી ગેટ સ્થિત દિલ્હી CEO કચેરી બહાર પણ કાર્યકરોના ભારે દેખાવોને પગલે મોટો પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો.
ગઈકાલે 9 કલાક ધરણાં, રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ FIR
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મતદાર યાદી સુધારણા ઝુંબેશ હેઠળ કરોડો મતદારોના નામ કમી કરવા સામે 140થી વધુ વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી 'સેવ ડેમોક્રસી માર્ચ' યોજી હતી. જોકે ચૂંટણી પંચથી 200-300 મીટર દૂર આકાશવાણી ભવન પાસે પોલીસે રોકી દેતાં સાંસદો ત્યાં જ ધરણાં પર બેસી ગયા હતા. 8થી 9 કલાક ચાલેલા આ ધરણાં બાદ મોડી રાત્રે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, અખિલેશ યાદવ અને ડેરેક ઓ'બ્રાયન સહિત 50થી વધુ સાંસદો અને 250 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ આકાશવાણી ભવનમાં પરવાનગી વિના પ્રવેશવા બદલ FIR પણ નોંધી છે. ગઈકાલે મોડી રાત્રે મુક્ત થયા બાદ આજે ફરી વિપક્ષે જંતર-મંતર પર મોરચો માંડ્યો હતો.




