આજે ભગવાન જગન્નાથ ભાંડરડા સાથે નગરચર્યાએ નિકળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રૃટ પર ૬૫ થી વધુ સ્થળોએ સેવાભાવીઓ દ્વારા પ્રસાદના પોઈન્ટ ઉભા કરાયા
સવારે ભગવાનેશ્વર મંદિરે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે છેડાપોરાવિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે, રથયાત્રામાં વિવિધ અખાડાઓ, રંગોળીઓ અને થીમ સાથેના કવોલીટી બેજ ફલોટ-વાહનો આકર્ષણ જમાવશે
ભાવનગર - અષાઢ સુદ બીજ તા.૧૬ જુલાઈને ગુરૃવારે ભાવનગરમાં પરંપરાગત રીતે બે સ્થળોએથી નિકળનારી અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની ૪૧મી યાત્રાને લઈને ચોમેર જય જય જગન્નાથજીનો ગગનભેદી નાદ ગૂંજી ઉઠશે અને ભાવનગર રથયાત્રામય બની જશે.આ નિમીત્તે સુરક્ષાના ભાગરૃપે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ સિહોર, મહુવા અને ગઢડામાં પણ રથયાત્રા યોજાશે.
જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ, ભાવ.આયોજિત ગુજરાતની બીજા ક્રમાંકની મીની કુંભ મેળાના દર્શન કરાવતી ૪૧ મી રથયાત્રા આવતીકાલ તા.૧૬ ને ગુરૃવારે સવારે ૮ કલાકે શહેરના સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવના મંદિરેથી પૂજય સંતો, મહંતો,મહામંડલેશ્વર, રાજકીય અને સામાજિક આગેવાનોની વિશાળ ઉપસ્થિતીમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધિ કરી પૂજા અર્ચન કરાશે.બાદ ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવિરરાજસિંહના હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ બાદ માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રથયાત્રાને દબદબાપૂર્વક પ્રસ્થાન કરાવાશે. પ્રતિ વર્ષ કરતા આ વખતની રથયાત્રા કવોન્ટીટી બેઝ નહિ પણ કવોલીટી બેઝ નિકળશે. ઈંધણ બચાવવાની સરકારની અપીલને ધ્યાને લઈને આ વખતે થીમબેઝ ૬૦ ટ્રકો ૨૦ ટ્રેકટર, ૨ જીપ, ૧૫ છકરડા, ૧ હાથી, ૮ ઘોડા, મીની ટ્રેઈન, નટખટ વાંદરો, નાસિક ઢોલ, તોપ વગેરે આકર્ષણો જોડાશે. તેમજ દુર્ગાવાહિની અને બજરંગદળના અખાડાઓ તેમજ ગણેશ ક્રિડાંમંડળ દ્વારા જીમ્નાસ્ટીક, સ્કેટીંગના દિલધડક દાવો રજુ કરાશે. તેમજ બોડી બિલ્ડિંગ એસો. દ્વારા પ્રદર્શન કરાશે. પર્યાવરણ સંરક્ષણ અંગે અવેરનેસ વધે તે માટે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરાશે. રથયાત્રા પરંપરાગત ૧૯ કિ.મી.રાજમાર્ગો પર આખો દિવસ ફરીને સાંજે નીજ મંદિરે પરત ફરશે. જયાં ધર્મસભા યોજાશે.જેમાં રથયાત્રાના કલાત્મક ફલોટસ અને વેશભૂષાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.રથયાત્રાના સ્વાગત માટે રૃટ પર ૬૫ થી વધુ સ્થળોએ સેવાભાવી, સ્વૈચ્છિક અને ધાર્મિક મંડળો દ્વારા ભાવિકો માટે ઠંડા પાણી, શરબત, પીણા, પ્રસાદના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
સિદસર અને કાળીયાબીડમાં હરે કૃષ્ણ હરે રામનો જયઘોષ ગૂંજશે
શહેરના સિદસર ખાતે લીલા સર્કલ નજીક આવેલ ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ૧૦ મી રથયાત્રા હરે કૃષ્ણ હરે રામના જયઘોષ સાથે નિકળશે. જે અહિંના સાડા છ કિ.મી.ના વિસ્તારમાં ફરશે. આજે સવારે ૯ કલાકે મંદિરેથી રથયાત્રા પ્રસ્થાન થશે. જે હિલપાર્ક ચોકડી, જ્ઞાાનમંજરી સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, ભગવતી સર્કલ, વિરાણી સર્કલ, લીલા સર્કલ થઈ બપોરે ૨ કલાકે નીજ મંદિરે પરત ફરશે. બાદ ૫૬ ભોગના અન્નકુટના દર્શન થશે. આ રથયાત્રામાં સુરત અને મુંબઈના કિર્તનકારો અને વાદ્યકારોની ૨૦૦ સભ્યોની ટીમ ભકિતગીતોની રમઝટ બોલાવશે.




