Bhavnagar

સિહોરના મહિલા સહિત ૩ જણને એક-એક વર્ષ કેદની સજાનો હુકમ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં 3 વ્યક્તિઓને ચેક રિટર્નના અલગ-અલગ કેસમાં 1-1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ થયો છે. પંજાબ નેશનલ બેંકમાંથી લોન લીધા બાદ બાકી રકમના ચેક બાઉન્સ થતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જો વળતર પેટે ચેકની રકમ ન ચૂકવાય તો વધુ 6-6 માસની સજા ભોગવવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોરના મહિલા સહિત ૩ જણને એક-એક વર્ષ કેદની સજાનો હુકમ

સિહોરના મહિલા સહિત ૩ જણને એક-એક વર્ષ કેદની સજાનો હુકમ

પીએનબીમાંથી લોન લીધા બાદ બાકી રકમના આપેલા ચેક બાઉન્સ થયા હતા

વળતર પેટે ચેકની રકમ ન ચૂકવે તો વધુ છ-છ માસની સજા ભોગવવી પડશે

ભાવનગર -  સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક મહિલા સહિત ત્રણ જણને ચેક રિટર્નના અલગ-અલગ કેસમાં એક-એક વર્ષ સાદી કેદની સજા અને ફરિયાદીને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો છે.

સિહોરના ઘાંચીવાડમાં રહેતા મૈનાઝબેન હુસેનભાઈ દસાડિયાએ પંજાબ નેશનલ બેન્ક-સિહોર શાખામાંથી વર્ષ ૨૦૧૭માં દોઢ લાખની લોન લીધી હતી. જે લોનની બાકીની રકમની ઉઘરાણી કરતા મહિલાએ વર્ષ ૨૦૨૩માં આપેલો ચેક બાઉન્સ થતા તેણી સામે એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી. આ કેસમાં સિહોરના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ જે.ટી. પટેલે મૈનાઝબેન દસાડિયાને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૃા.૪૦,૦૦૦ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો છે.

બીજા કેસમાં ઘાંચીવાડમાં જ રહેતો સાદીક મુનાભાઈ સુમરા નામના શખ્સે વર્ષ ૨૦૨૦માં પીએનબી-સિહોર શાખામાંથી રૃા.૨,૩૯,૦૦૦ લાખની વર્કિંગ કેપીટલ લોન લીધા બાદ વર્ષ ૨૦૨૩માં બાકીની રકમનો આપેલો ચેક અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા શખ્સ સામે ચેક રિટર્ન અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી. આ કેસમાં સિહોર કોર્ટે આરોપી સાદીક સુમરાને કસુરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા, ફરિયાદીને ચેકની રકમ રૃા.૧,૮૫,૦૦૦ વળતર તરીકે ચૂકવી આપવા ફરમાન કર્યું છે.

ત્રીજા કેસમાં ઘાંચીવાડમાં રહેતો નૌસાદ હારૃનભાઈ ખોખર સામે પંજાબ નેશનલ બેન્ક-સિહોર શાખાના મેનેજરે એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીએ વર્ષ ૨૦૧૮માં રૃા.૨,૩૫,૦૦૦ની લોન લીધા બાદ બાકીની રકમના હપ્તા ન ભરી વર્ષ ૨૦૨૩માં આપેલો ચેક પરત ફર્યો હતો. આ કેસમાં સિહોર કોર્ટે આરોપીને એક વર્ષ સાદી કેદ ભોગવવા તેમજ ફરિયાદીને ચેકની રકમ રૃા.૧,૭૫,૦૦૦ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ ત્રણેય ચુકાદામાં આરોપીઓ દ્વારા વળતરની રકમ ન ચૂકવવામાં આવે તો વધુ છ-છ માસ સાદી કેદની સજા ભોગવવા કોર્ટે આદેશ કર્યો છે.