ગજાનનની આરાધનાના મહાપર્વ ગણેશ ઉત્સવનું આજે રંગેચંગે સમાપન થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે દુંદાળાદેવને વિદાયમાન અપાશે
ગોહિલવાડમાં ૫૫૦થી વધુ સાર્વજનીક ઉપરાંત હજારોની સંખ્યામાં પારિવારીક આયોજનો થયા ઃ આજે વિસર્જનયાત્રા નિકળશે
ભાવનગર - દુંદાળા દેવ ગજાનન ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવની આવતીકાલ અનંત ચતુર્દશીના પવિત્ર પર્વે તા.૨૫ સપ્ટેમ્બરના શુક્રવારે રંગેચંગે સમાપન થશે. આ પ્રસંગે આતશબાજીની જમાવટ સાથે શરણાઈ, ઢોલ, નગારા, શંખનાદ, ઝાલરનાદ,ડીજે અને બેન્ડવાજાના સૂરીલા સંગાથે તેમજ અબીલ ગુલાલની છોળો વચ્ચે ચોતરફ ગણપતિ બાપા મોરીયાના જયઘોષ સાથે વાજતે-ગાજતે વિસર્જનયાત્રા નિકળશે.આ વેળા ભાવવાહી દ્રશ્યો સર્જાશે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં ગણેશ ચતુર્થીના મહાપર્વથી ૧૦ દિવસીય ગણેશ ઉત્સવનો પરંપરાગત રીતે ધામધૂમથી શુભારંભ થયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં શેરીઓ, મહોલ્લાઓમાં ઠેર-ઠેર ગણેશ ઉત્સવના ૫૫૦થી વધુ સાર્વજનિક આયોજનો કરાયા હતાં. અને હજારોની સંખ્યામાં લોકોએ ઘરે તેડાવ્યા હતાં. આ ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રના પુના સહિતના પરપ્રાંતીય શહેરોની પ્રતિકૃતિ સમાન ચોમેર એક એકથી ચડીયાતા સુશોભીત પંડાલોમાં નીત્ય ક્રમ મુજબ સવારે અને સાંજે મહાપુજા અને મહાઆરતી કરાઈ હતી. વિઘ્નહર્તાને ભાવપુર્વક ૫૬ ભોગ અન્નકુટ પણ ધરાયો હતો.આ ઉપરાંત ઉત્સવ દરમિયાન ધાર્મિક, સામાજીક,સેવાકિય તેમજ ગીત-સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, મેજિક શો તેમજ મનોરંજક પ્રવૃતિઓ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.ગત વર્ષોની તુલનામાં આ વર્ષે પણ સાર્વજનિક આયોજનની તુલનામાં ૩ દિવસીય, ૫ દિવસીય અને સાત દિવસીય પારિવારિક અને વ્યકિતગત આયોજનો પણ સર્વાધિક થયા હતા.દશ દિવસ સુધી ભકિતભાવપુર્વક ગણેશજીની આરાધના કરાઈ હતી. ત્યાં સુધી ભાવિકોની મોંઘેરી મહેમાનગતિ માણીને આવતીકાલ તા.૨૫ સપ્ટેમ્બરને ગુરૃવારે સવારથી શુભ મુર્હૂતે ભારે હૈયે ભાવિકો દ્વારા વિસર્જન યાત્રા નીકળશે. કોળીયાકમાં પારિવારિક અને સામુહિક વિસર્જન માટે બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ ઉમટી પડનાર હોય સ્થાનિક તંત્ર દ્વારા મૂર્તિઓના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વેળા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત જળવાશે.
આવતીકાલથી માંગલિક કાર્યો પર બ્રેક રહેશે
ગણનાયકની આરાધનાના ગણેશ મહોત્સવનું આવતીકાલે શુક્રવારે ભકિતમય માહોલમાં સમાપન થશે.આગામી તા.૨૬ સપ્ટેમ્બરને શનિવારથી સમસ્ત પિતૃઓ પ્રત્યે આદરભાવ અને વંદના કરવાના અનન્ય શ્રાધ્ધપર્વનો પ્રારંભ થશે. આ સાથે માંગલિક કાર્યો પર રૃકાવટ આવી જશે. જયારે પિતૃઓના ઋણભાવમાંથી મુકત થવા માટે ચોમેર અસંખ્ય પુણ્યકાર્યો અને જીવદયા પ્રવૃતિઓનો ધમધમાટ વધી જશે.




