ગોહિલવાડમાં કાનાના પ્રાગટયોત્સવના હરખભેર વધામણા, ઠેર-ઠેર વ્રજભૂમિનો માહોલ ખડો કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોવિંદા આયા રે.., નંદ ઘેર આનંદ ભયોનો નાદ ગૂંજી ઉઠયો, ભાવિકોએ ગોકુળીયુ બનાવી લાલાને ભાવભેર ઝુલાવ્યો
ચોતરફ ભાતીગળ લોકમેળા, ઈલેકટ્રોનીક મુવીંગ દ્રશ્યો, ગોકુળીયા, શોભાયાત્રા, મટકીફોડ, દહીહાંડી સહિતના કાર્યક્રમોમાં માનવ મહેરામણ હિલોળે ચઢયુ
ભાવનગર - ભાવનગર શહેર અને જિલ્લામાં શંખનાદ, ઘંટનાદ અને ઝાલરનાદ વચ્ચે અને આતશબાજીની જમાવટ સાથે પરંપરાગત રીતે જન્માષ્ટમી મહોત્સવની હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભાવનગર શહેરના ગીતા ચોક, વડવા, નિર્મળનગર,કાછીયાવાડ,કાળીયાબીડ,ભરતનગર સહિતના વિસ્તારોમાં અને જિલ્લાભરમાં ચોતરફ ભાતીગળ લોકમેળા, ગોકુળીયા, ઈલેકટ્રોનિક મુવીંગ દ્રશ્યો,મટકીફોડ અને દહીંહાંડી સહિતના કાર્યક્રમો રંગેચંગે યોજાયા હતા. શુક્રવારે રાત્રીના ૧૨ ના ટકોરે ધર્મસ્થાનકોમાં ગોવીંદા આયા રે.., નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના ગગનભેદી જયઘોષ સાથે શ્રધ્ધાળુઓની હકડેઠઠ મેદની ઉમટી પડી હતી.
ભાવિકોએ કાનાને સુશોભીત પારણામાં ભાવભેર ઝુલાવીને પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ. આ સાથે સ્થાનિક કૃષ્ણમંદિરો, ઠાકરદ્વારા, ઈસ્કોન,જગદીશ મંદિર, પુષ્ટિમાર્ગીય હવેલીઓ, સ્વામિનારાયણ મંદિર સહિતના ધર્મસ્થાનકોમાં શ્રાવણ વદ આઠમના મહાપર્વે રાત્રે ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના શ્રધ્ધાળુઓ દ્વારા આતશબાજીની જમાવટ સાથે હરખભેર વધામણા કરાયા હતા. આ પ્રસંગે મહાપુજન, અર્ચન, જન્મોત્સવ આરતી, મહાઅભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શ્રીજીને ખુલ્લા પદડે પંચામૃત સ્નાન, અભિષેકવિધિ કરાઈ હતી. વહાલાના પ્રાગટયોત્સવના હરખભેર વધામણા કરવા માટે ધર્મસ્થાનકોમાં માનવ મહેરામણ હિલોળે ચઢયુ હતુ.ભાવીકોને પંજરીના પ્રસાદનું વિતરણ કરાયુ હતુ.કેટલાક સ્થળોએ કેક કટીંગ કરાયુ હતુ. ચોમેર ડીજેના સંગાથે અને રાસ ગરબાની રમઝટ અને નાચગાન સાથે રંગદર્શી શોભાયાત્રા નિકળી હતી. જયારે વિશ્વ હિન્દુ પરિષદ,ભાવ.મહાનગર દ્વારા શોભાયાત્રા સાથે મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ક્રેન દ્વારા મટકી ફોડ ફોડાશે. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા શહેરના ગીતાચોકમાં જન્માષ્ટમી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ વેળા ૨૫ યુવાનોના ૧૫ ગૃપ દ્વારા શોભાયાત્રાના રૃટ પર ૧૫ જેટલી મટકીઓ ફોડવામાં આવી હતી. તેમજ ભરતનગરમાં ૧૨ નંબરના બસ સ્ટેન્ડ પાસેના મંદિરે જન્માષ્ટમી ઉજવાઈ હતી. જયારે નિર્મળનગરમાં ૧૧૧ મટકીફોડ ઉત્સવ શોભાયાત્રા સાથે યોજાઈ હતી.દેવરાજનગરના હોંશીલા હનુમાનજીના મંદિરે ધ્વજારોહણ, મહિલા સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શનિવારે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં વૈષ્ણવો દ્વારા નંદ મહોત્સવ ઉજવાયો હતો અને શ્રધ્ધાળુઓએ પંચકુટીયાની શાકભાજી આરોગી હતી.દશા ઝારોળા, વૈષ્ણવ વણિક સહિત અનેક જ્ઞાાતિ પરિવારો દ્વારા જન્માષ્ટમીના સામૂહિક ઉજવણા નિમીત્તે જ્ઞાાતિભોજન યોજાયુ હતુ.ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પણ શ્રીકૃષ્ણના પ્રાગટયોત્સવના હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.
કણબીવાડમાંથી ગોકુળીયા ગાયબ થયા
આજથી વર્ષો પૂર્વે કણબીવાડમાં ઠાકરદ્વારા શાકમાર્કેટ, ચાંચડની શેરી, હિરાશેરી, વના મોનાનો ડેલો, વાંકડીયાની શેરી, મામાકોઠા રોડ,અંબીકા સ્કૂલ, ભગાતળાવ અને ભગતની શેરીમાં મિત્રમંડળ,મહિલા મંડળ તેમજ બાળમંડળ દ્વારા લોકફાળાથી ગોકુળીયા ખડા કરાતા હતા.જયા સાડીઓ, ઈલેકટ્રોનિક લાઈટીંગના ડેકોરેશન સાથે જેલ,નદી નાળા, કટઆઉટ, મઢુલી, પર્વતમાળાઓ, રમકડાઓ જંગલ તેમજ દેવ દેવીઓના વેશભૂષાધારી બાળકો સહિતના ફલોટ બનાવાતા હતા જે નિહાળવા માટે પરા વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સપરિવાર ઉમટતા હતા.કાળક્રમે સ્થાનિકોના વિજયરાજનગર અને સુભાષનગર સહિતના સ્થળોએ સ્થળાંતર થતા મુખ્ય આયોજકોના અભાવે આ વર્ષે કણબીવાડમાંથી ગોકુળીયાના આયોજનો ગાયબ થઈ ગયા હતા.




