રથયાત્રામાં અખાડાના કરતબોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અષાઢી બીજથી એકાદ માસ અગાઉ તૈયારીઓ શરૃ કરાય છે
અખાડિયનોએ રથયાત્રા દરમિયાન પટ્ટાબાજી, તલવારબાજી, ટાઈગર જમ્પ,ભીષ્મપાર્ટ તેમજ નાળિયેર અને બટાકાફોડ વગેરે દાવો રજુ કર્યા
ભાવનગર - પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પર્વે યોજાયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રેરિત અખાડાના યુવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે એક એક થી ચડીયાતા દિલધડક દાવો રજૂ કરવામાં આવતા શ્રોતાજનો મંત્રમુગ્ધ થયા હતા. આ સાથે બજરંગદળના દુર્ગાવાહિનીબહેનો દ્વારા તલવારબાજી સહિતના દાવો કરાયા હતા જે ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતુ.
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારના રહિશ ૭ વર્ષથી લઈને ૩૫ વર્ષ સુધીના ૨૦૦ થી વધુ યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં સુસજજ થઈને રથયાત્રાના માર્ગોમાં અવનવા કરતબો રજુ કરવામાં આવ્યા હતા. આ અખાડિયનો દ્વારા છેલ્લા એકાદ માસ અગાઉથી જ અખાડાના દાવો અંગે સઘન પ્રેકટીસ શરૃ કરવામાં આવી હતી. રથયાત્રાને વધુ લોકપ્રિય બનાવવા માટે સમિતિના કાર્યકરોની ટીમએ બોટમ લેવલથી માઈક્રો પ્લાનીંગ મુજબ તબકકાવાર એક પછી એક કાર્યો હાથ ધરાય છે. રથયાત્રાના જનજાગૃતિવર્ધક ફલોટસની જેમ જ અખાડાના દાવપેચનું પણ નોંધપાત્ર આકર્ષણ રહે છે. તેથી જ રથયાત્રા દરમિયાન અખાડીયનોના દાવપેચ નિહાળવા માટે આબાલવૃધ્ધ સૌથી વધુ ઉત્સુક રહેતા હોય છે.રથયાત્રાના માર્ગમાં આવતા મોટા ચોકમાં કરાયેલા દાવપેચ વખતે ચોતરફ ભારે ભીડ અને ધક્કામુક્કી થતી હોય છે. ગણવેશધારી અખાડાના બાળકો, યુવાનો, દુર્ગાવાહિનીની બહેનો અને આધેડ વયના સભ્યોએ લાઠીદાવ, પટ્ટાબાજી, તલવારબાજી, ટાઈગર જમ્પ, છાતી પર, માથા નીચે, બટાટા, નાળિયેર અને પથ્થર રાખી તોડવાના દિલધડક દાવો રજુ કરાતા ભાવિકોએ તેઓને તાળીઓના ગડગડાટ સાથે બીરદાવ્યા હતા.




