મહુવા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી, એક ઈંચ ધોધમાર મેઘમહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો
ગારિયાધાર અને જેસરમાં ઝાપટું વરસ્યું, ધંધુકા તાલુકામાં મુશળધાર વરસાદ
મહુવા/તળાજા/ધંધુકા - મહુવા પંથકમાં ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ ધોધમાર વરસ્યો હતો. મેઘરાજાની તોફાની એન્ટ્રીથી લોકોએ હાશકારો મેળવ્યો હતો. તળાજા, ગારિયાધાર અને જેસર પંથકમાં પણ મેઘમહેર વરસી હતી. ધંધુકા પંથકમાં સાર્વત્રિક મુશળધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
મહુવા પંથકમાં પાંચ દિવસ અસહ્ય ઉકળાટ બાદ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સવારે ૧૧-૩૦ કલાકના અરસામાં ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. પ્રથમ વરસાદમાં જ ન.પા. તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી કાગળ ઉપર જ થઈ હોય તેમ માર્ગો પર ગટર અને વરસાદના પાણીની નદી વહી હતી. હોસ્પિટલ રોડ, વાસીતળાવ, ગાંધીબાગ, વીટીનગર, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા. કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પંથકના બગદાણા, મોણપર, ઓથા, ડુંડાસ, અમૃતવેલ, દાતરડી, વાઘનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.
તળાજા પંથકમાં સવારથી જ વરસાદી માહોલ રહ્યા બાદ વીજળીના ચમકારા અને ગર્જના સાથે મેઘરાજા વરસ્યા હતા. તળાજામાં બપોરે ત્રણ મિ.મી. વરસાદ વરસ્યો હતો. તાલુકાના કામરોળ, બોરડા, પદારગઢ, નવા-જૂના સાંગાણા, જાલવદર, પસવી, પાદરી ગામમાં ધોધમાર વરસાદ પડયો હતો. બોરડાથી બોરડી જવાના માર્ગ પર પાણી ભરાતા રાહદારી-વાહનચાલકોને હાડમારી વેઠવી પડી હતી. નદી-નાળાઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. ખેતરોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસના ગામડાઓમાં દોઢેક કલાક વરસેલા વરસાદના કારણે તળાજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. પીથલપુર, દાઠા, ફુલસર, ઉંચડી, દિહોર, ચુડી, સાંખડાસર, રોયલ, બાબરિયાત ગામે નેવાધાર વરસાદના વાવડ મળ્યા હતા. અલંગ-મણારમાં વરસાદનો છાંટો પણ પડયો ન હતો. ચુડી ગામે હાલુભાઈ આહીરની વાડીમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા. ભાવનગર શહેરના ઘણાં વિસ્તારોમાં પણ બપોરે વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું. ગારિયાધાર અને જેસરમાં બે-બે મિ.મી. વરસાદ થયો હતો. હમીરપરા ડેમ વિસ્તારમાં ૨૦ મિ.મી. અને કાનિયાડ ડેમ વિસ્તારમાં ૩૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો. ધ??????




