મહુવામાં રૃ.૨૩ લાખના સોયાબીન મહારાષ્ટ્ર મોકલવાનો માલ બારોબાર કુકાવાવ ઉતારી વિશ્વાસઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાન્સપોર્ટર અને ડ્રાઇવરો સામે પોલીસમાં ગુનો દાખલ
ટ્રાન્સપોર્ટ મારફતે બુક કરાયેલો ટ્રક ધુલે પહોંચવાને બદલે રસ્તામાં ગાયબ
ભાવનગર - મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે રૃ.૨૩ લાખથી વધુની કિંમતના સોયાબીનનો માલ બારોબાર કરી વિશ્વાસઘાત કરવાની ગંભીર ઘટના સામે આવી છે.
ધમત એન્ટરપ્રાઇઝના માલિક ધમત ચેતનભાઈ શાહે મહારાષ્ટ્રના ધુલે ખાતે ૨૯,૫૩૦ કિલો સોયાબીન (૬૩૫ કટ્ટા) મોકલવા માટે આર.કે. ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રક (જીજે ૩૬ ટી - ૪૪૫૧ ) ભાડે રાખ્યો હતો. રૃ. ૬૧,૯૫૦ના નક્કી થયેલા ભાડામાંથી રૃ. ૩૦,૦૦૦ એડવાન્સ પણ ચૂકવવામાં આવ્યા હતા.ગત ૧ નવેમ્બરે માલ ભરીને નીકળેલો ટ્રક ધુલે પહોંચવાના બદલે રસ્તામાંથી જ ગાયબ થઈ ગયો હતો. શરૃઆતમાં મોબાઈલ ધારકે ગાડી સુરત પાસે ખરાબ થઈ હોવાનું બહાનું બતાવ્યું હતું, પરંતુ બાદમાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. શંકા જતાં ટ્રાન્સપોર્ટરો દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ટ્રક ડ્રાઇવર મુકેશ દીલુભાઈ રાઠોડ અને તેના સાગરીતોએ આ સોયાબીન મહારાષ્ટ્ર લઈ જવાના બદલે અમરેલીથી આગળ કુકાવાવ ખાતે અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી બારોબાર વેચી માર્યો હતો.આ સમગ્ર કૌભાંડ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં મુકેશ રાઠોડ, હરેશ પરમાર અને બે મોબાઈલ નંબરના ધારકો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એન.એસ.ની કલમ ૩૧૬(૪), ૩૧૬(૫) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




