Bhavnagar

વિવાદાસ્પદ મૌલાનાને સાથે રાખી એસઓજીની ટીમ ભરૃચ પહોંચી

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના સિદસરમાંથી ઝડપાયેલા ગેરકાયદે મદ્રેસા પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કટ્ટરતાનું ઝેર ઘોળવાના આરોપસર પકડાયેલા મૌલાનાના 10 દિવસના રિમાન્ડ મળતા SOG અને કેન્દ્રીય એજન્સીઓએ તપાસ તેજ કરી છે. મૌલાનાને સાથે રાખીને SOGની ટીમ ભરૂચ પહોંચી છે, જ્યાં શંકાસ્પદ ફંડિંગ અને બ્રેઇન વોશિંગ સાહિત્યના તાર શોધવામાં આવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિવાદાસ્પદ મૌલાનાને સાથે રાખી એસઓજીની ટીમ ભરૃચ પહોંચી

ભાવનગર ગેરકાયદે મદ્રેસા પ્રકરણમાં પકડાયેલા

દેશવ્યાપી નેટવર્કના એંધાણ, બ્રેઇન વોશિંગ સાહિત્ય અને શંકાસ્પદ ફંડિંગના તાર શોધવા સેન્ટ્રલ એજન્સીઓ પણ મેદાનમાં

ભાવનગર -  સિદસરના '૨૫ વારિયાદ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર મદ્રેસા પ્રકરણમાં દરરોજ ચોંકાવનારા અને વિવાદાસ્પદ ખુલાસાઓ થઈ રહ્યા છે. બાળકોના કોમળ મનમાં કટ્ટરતાનું ઝેર ઘોળવાના સંગીન આરોપસર પકડાયેલા મૌલાના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થતાં જ સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને દેશની મધ્યસ્થ ગુપ્તચર એજન્સીઓએ પિંચિંગ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. આ ઊંડા કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે ભાવનગર એસઓજીની એક વિશેષ ટીમ મૌલાનાને સાથે રાખીને ભરૃચ ખાતે ખાંડાં-ખંખોળ તપાસ અર્થે પહોંચી ગઈ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર ૧૧૦, ૧૧૧ અને ૧૧૨નો ગેરકાયદેસર રીતે હેતુફેર કરીને ચલાવવામાં આવતા આ મદ્રેસા પર ચાર દિવસ અગાઉ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મૂળ પાલનપુરના બનાસકાંઠાના ૨૬ વર્ષિય મૌલવી મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયાના કબજામાંથી ૧૫ જેટલા ઉર્દૂ અને અરેબિક ભાષાના વિવાદાસ્પદ પુસ્તકો મૌલવીએ સ્વહસ્તે લખેલી ૬૦ પાનાની શંકાસ્પદ ડાયરી મળી આવ્યા હતા. આ વાંધાજનક સાહિત્ય બાળકોને ભડકાવવા માટે વપરાતું હોવાનો પર્દાફાશ થતાં જ વરતેજ પોલીસ મથકે ગુનો નોંધી મૌલાનાની ધરપકડ કરાઈ હતી. જપ્ત કરાયેલ તમામ સાહિત્યનું ગહન વિશ્લેષણ કરવા માટે તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ભાવનગર લાવવામાં આવ્યા પહેલાં આ મૌલાના ભરૃચ ખાતે રહીને અભ્યાસ કરતો હતો. ભરૃચથી જ તેના તાર ભાવનગર સુધી લંબાયા હોવાથી તેના મૂળિયાં કેટલાં ઊંડાં છે તે તપાસવા ભાવનગર એસઓજી ભરૃચ પહોંચી છે. ભરૃચ સ્થાનિક એસઓજીની અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.એસઓજીની ટીમ અન્ય ટીમો દ્વારા સિદસર ૨૫ વારિયા વિસ્તારના સ્થાનિક રહીશો, મદ્રેસામાં આવતા માસૂમ બાળકો તેમજ તેમના વાલીઓની સઘન પૂછપરછ કરીને સત્તાવાર બયાન નોંધવાની કામગીરી પૂરઝડપે ચલાવવામાં આવી રહી હોવાનું એસઓજીનાં પીઆઇ શિંગરખીયાએ જણાવ્યું હતું.

મૌલવીએ ભરૃચની મદ્રેસામાં અભ્યાસ કરી બે ડિગ્રી પ્રાપ્ત કરી છે

ભાવનગરમાંથી પકડાયેલા મૌલવી મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયાએ જામીયા ઉલમુલ કુરઆન સી/ઓ બાયપાસ રોડ, જંબુસર જીલ્લા ભરુચ ખાતે આવેલા મદ્રેસામાં અભ્યાસ કર્યો છે અને મૌલવીએ હાફિઝ અને આલિમ નામની બે ડિગ્રી પ્રાપ્ત કરી છે. તદુપરાંત ફંડિંગ અંગેના પાસાઓની તપાસ થઈ રહી હોવાનું એસઓજી પીઆઇ શિંગરખીયાએ જણાવ્યું હતું.