Bhavnagar

સ્વામીજીને રૃમમાં પુરી તસ્કરો રૃા. ૪૦ હજાર રોકડ લઈ પલાયન

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
બોટાદના શંકરપરા સ્વામિનારાયણ મંદિરમાં 26 ઓગસ્ટે રાત્રે અજાણ્યા તસ્કરોએ ચોરી કરી. ચોરોએ સ્વામીજીને રૂમમાં પુરી દઈ, અંકિત મહારાજના રૂમમાંથી ₹40,000 રોકડા ચોરી લીધા. દાનપેટી તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો. અવાજ થતાં ચોરો ફરાર થઈ ગયા. બોટાદ ટાઉન પોલીસે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્વામીજીને રૃમમાં પુરી તસ્કરો રૃા. ૪૦ હજાર રોકડ લઈ પલાયન

બોટાદના સ્વામીનારાયણ મંદિરમાં સનસનાટીભરી ચોરી

તસ્કર ટોળકીએ દાનપેટી તોડવાનો પણ કર્યો નિષ્ફળ પ્રયાસ, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો સામે ગુનો દાખલ

ભાવનગર -  બોટાદ શહેરના ખસ રોડ પર આવેલા શંકરપરા સ્વામીનારાયણ મંદિરમાં ગત ૨૬ ઓગસ્ટની રાત્રે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મંદિરના પરિસરમાં પ્રવેશી સ્વામીજીને રૃમમાં પૂરી દઈને રૃ. ૪૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ગત ૨૬ ઓગસ્ટના રોજ અંધારી રાત્રિનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ શંકરપરા સ્વામીનારાયણ મંદિરને નિશાન બનાવ્યું હતું. ચોરોએ મંદિરના મુખ્ય કમ્પાઉન્ડ અને અંદરના દરવાજાના તાળાં તોડી પરિસરમાં પ્રવેશ કર્યો હતો. ચોરીને અંજામ આપતાં પહેલાં તસ્કરોએ ચાલાકી વાપરી મંદિરમાં રોકાયેલા કેવલ્યસ્વરૃપ સ્વામીજીના રૃમને બહારથી બંધ કરી દીધો હતો, જેથી તેઓ બહાર આવી ન શકે કે કોઈને મદદ માટે બોલાવી ન શકે.સ્વામીજીને બંધ કર્યા બાદ, તસ્કરોએ મંદિરમાં રસોઈનું કામ કરતા અંકિત મહારાજના રૃમની તલાશી લીધી હતી. ત્યાં રાખેલી બેગમાંથી રૃ. ૪૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ ચોરોએ મંદિરના ગર્ભગૃહ/ગર્ભહાલમાં મૂકેલી દાનપેટીને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

દાનપેટી તોડવાના અવાજને કારણે રૃમમાં પુરાયેલા સ્વામીજી જાગી ગયા હતા. તેમણે પરિસ્થિતિ પામી જઈ તુરંત જ ફોન દ્વારા પાડોશીનો સંપર્ક કર્યો હતો. પાડોશીએ આવીને સ્વામીજીના રૃમનો બહારથી બંધ દરવાજો ખોલ્યો હતો. જોકે, અવાજ થતાં જ તસ્કરો ઘટનાસ્થળેથી અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા.આ સનસનાટીભરી ચોરી અંગે યોગેશભાઈ હડીયલ દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોટાદ ટાઉન પોલીસે આ અંગે ચોરીનો ગુનો નોંધી, મંદિરના સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક સુરાગના આધારે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.