પાલિતાણા ન.પા.ના ૩ વાહનની ચોરીમાં તસ્કર ત્રિપુટીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૧મીની મોડીરાત્રિના સમયે એમ.પી.ના શખ્સોએ કચરા ગાડીઓની ચોરી કરી
ચોરાઉ વાહનો મધ્યપ્રદેશ લઈ જવાની ફિરાકમાં હતા ત્યાં જ ક્રાઈમ બ્રાંચે ઉઠાવી લીધા
ભાવનગર - પાલિતાણા નગરપાલિકાની માલિકીની ત્રણ કચરાની ગાડી ચોરી રફુચક્કર થયેલી મધ્યપ્રદેશની તસ્કર ત્રિપુટીને ભાવનગર ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લીધી છે.
ભાવનગર એલસીબીની ટીમ વણશોધયેલા ગુનાઓના શકદારોની તપાસમાં હતી. ત્યારે ત્રણ શખ્સ ન.પા.ની કચરાની ગાડીઓની ચોરી કરી પાલિતાણાથી ખોડવદરી અને ત્યાંથી રિટર્ન નવાગામથી ગારિયાધાર તરફ જઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે વોચ રાખી રસ્તામાં જ ન.પા.ના ત્રણ વાહનો લઈને નીકળેલા અનિલ બાલુભાઈ ડામોર (ઉ.વ.૨૪, રહે, પંચપીલિયા સ્કૂલ ફલિયું, તા.મેગનગર, જિ.જાંબૂઆ, મધ્યપ્રદેશ), કરન કૈલાશભાઈ ગરવાલ (ઉ.વ.૨૧, રહે, સેમલિયા, તા.થાંદલા, જિ.જાંબૂઆ, મધ્યપ્રદેશ) અને અરવિંદ પુનમસીંગ બાંભોર (ઉ.વ.૨૫, રહે, ચેનપુરા, જીવરી ફળિયા, શિવગઢ, તા.મેઘનગર, જિ.જાંબૂઆ, મધ્યપ્રદેશ) નામના શખ્સોની ધરપકડ કરી વાહનો અંગે પૂછતાછ કરતા ગત તા.૨૧-૧૦ની મોડીરાત્રિના સમયે પાલિતાણામાંથી ન.પા.નો કચરો ભરવાના ત્રણેય વાહનની ચોરી કરી મધ્યપ્રદેશ લઈ જવાની ફિરાકમાં હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે ચોરાયેલા વાહનો સાથે તસ્કર ત્રિપુટીને આગળની તપાસ માટે પાલિતાણા ટાઉન પોલીસને સોંપી દીધી હતી.




