બોટાદમાં હીરાની ઓફિસમાંથી ભર બપોરે રૃ.૪૩.૧૧ લાખના હીરાની સનસનાટીભરી ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટેબલના ખાનાનું લોક તોડી અજાણ્યો ચોર હાથફેરો કરી ગયો
નિલમ શોપિંગ સેન્ટરમાંથી ૧૪૩૩ કેરેટ તૈયાર હીરા ગાયબ, અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ, મહિલા સહિત ત્રણ ઝડપાયા
બોટાદ - બોટાદ શહેરના લીમડા હીરા બજારમાં આવેલા નીલમ શોપિંગ સેન્ટરમાંથી રૃ. ૪૩.૧૧ લાખની કિંમતના તૈયાર હીરાની દિનદહાડે ચોરી થતાં હીરા બજાર અને વેપારી આલમમાં ભારે અરેરાટી સાથે સનસનાટી મચી ગઈ છે. બોટાદ શહેરના ભાવનગર રોડ પર રહેતા અને હીરા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની ઓફિસમાંથી બપોરના સુમારે ૧૪૩૩ કેરેટ તૈયાર હીરા ચોરાયા હોવાની બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અધિકૃત એફ.આઈ.આર.નોંધાઈ છે. જે મામલે અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ચોરીના મુદ્દામાલ સાથે મહિલા સહિત ત્રણને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ, બોટાદના ભાવનગર રોડ ખાતે રહેતા અને હીરાનો દલાલી/વેપારનો વ્યવસાય કરતા અશોકભાઈ કણકોટીયા તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પોતાની નીલમ શોપિંગ સેન્ટર સ્થિત ઓફિસ નં-૧૩ પર હાજર હતા. સવારના સમયે તેમણે વેપારીઓ પાસેથી સીંગલના તૈયાર હીરાની ખરીદી કરી હતી. બપોરના આશરે ૧થ૦૦ વાગ્યાની આસપાસ તેઓ પોતાની ઓફિસનું શટર બંધ કરી જમવા માટે ઘરે ગયા હતા. બાદમાં બપોરે ૨થ૦૦ વાગ્યે જ્યારે તેઓ ઓફિસે પાછા ફર્યા અને શટર ખોલીને અંદર પ્રવેશ્યા, ત્યારે ટેબલના ખાનાનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.દરમિયાનમાં ખાનામાં તપાસ કરતા અંદર મૂકેલી હીરાની વિવિધ પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ (લોટ) ગાયબ હતી. ચોરાયેલા સીંગલના તૈયાર હીરા, કુલ ૬ અલગ-અલગ લોટ (આશરે ૬૦૦ કેરેટ, ૨૦૦ કેરેટ, ૪૦૦ કેરેટ, ૨૦૦ કેરેટ, ૪૦ કેરેટ અને શાઇનિંગ પેન્સી વજનના હીરા).કુલ વજન ૧૪૩૩ કેરેટ તૈયાર હીરા.અંદાજિત કિંમત,પ્રતિ કેરેટ સરેરાશ રૃ. ૩,૦૦૦ લેખે કુલ રૃ. ૪૩,૧૧,૦૦૦નો કિંમતી માલ તસ્કરો ચોરી ગયા છે.આ ઘટના અંગે અશોકભાઈએ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને અન્ય વેપારી મિત્રોને જાણ કર્યા બાદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોટાદ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૩) હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ મેળવવા, બપોરના સમયે ઓફિસે આવેલા ગ્રાહકો તથા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૃ કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય તથા બોટાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બચુ રમુભાઈ સાડમિયા (રહે.કાલાવાડ, જી.જામનગર), વિના ધીરૃભાઈ જીલીયા (રહે.બોટાદ) અને સપનાબેન બચુભાઈ સાડમિયા (રહે.કાલાવાડ, જી.જામનગર)ને ૧૪૩૭ કેરેટ હિરા સહિત કુલ રૃા.૪૩.૧૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભીખારીના સ્વાંગમાં આવેલી મહિલા સહિત ત્રણને ટ્રેનમાંથી દબોચ્યા
બોટાદમાં હીરાના ચોરીના બનાવમાં બોટાદ પોલીસે સીસીટીવીનું વિશ્લેષણ કરી ભીખારીના વેશમાં આવેલી મહિલાને ટ્રેક કરી હતી. જેનું ટેકનિકલ ટ્રેકિંગ કરી બોટાદ ખોડિયારનગરની ઝુપડપટ્ટીમાં દરોડો પાડયો હતો પરંતુ શંકાસ્પદ પરિવાર રેલવે સ્ટેશનથી અમદાવાદની ટ્રેનમાં બેસી નિકળી ગયા હોવાનું જણાતા પોલીસે રિયલ ટાઈમ રેલ ટ્રેકિંગ કર્યું હતું અને આરોપીઓ જિલ્લાના હદ વટાવતા હોવાથી બોટાદ પોલીસે અમદાવાદ ગ્રામ્ય પોલીસની મદદ લઈ સંયુક્ત ઓપરેશન હાથ ધરી હીરાની ચોરી કરનારા ત્રણેયને બાવળા પોલીસ સ્ટેશન ખાતે વ્યૂવ્હાત્મક કોર્ડન કરી બોટાદ-અમદાવાદ ટ્રેનમાંથી ત્રણેય આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતા.




