Bhavnagar

બોટાદમાં પાઇપલાઇન કામના બિલમાં રૃ. ૪.૦૮ લાખથી વધુનું કૌભાંડ,નિવૃત્ત અધિકારીઓ સહિત ૩ સામે ફરિયાદ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
બોટાદમાં ઝમરાળાથી કેરીયા પાઇપલાઇનના કામમાં 4.08 લાખની ઉચાપત સામે આવી છે. 2019માં થયેલા આ કામના 4.18 લાખના બિલને 8.06 લાખ દર્શાવી, તત્કાલીન કાર્યપાલક ઇજનેર હરેશકુમાર ચૌહાણ, સિનિયર ક્લાર્ક જેઠાલાલ સોલંકી અને કોન્ટ્રાક્ટર મુસ્તુફા વડદરીયાએ ગેરરીતિ આચરી હતી. ઓડિટ-વિજિલન્સ તપાસ બાદ ગાંધીનગર કચેરીના આદેશથી બોટાદ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં પાઇપલાઇન કામના બિલમાં રૃ. ૪.૦૮ લાખથી વધુનું કૌભાંડ,નિવૃત્ત અધિકારીઓ સહિત ૩ સામે ફરિયાદ

ઝમરાળાથી કેરીયા સુધી પાઇપલાઇન પાથરવાના કામના બીલમાં મોટાપાયે ગોલમાલ

ઓડિટ અને વિજિલન્સ તપાસમાં ચેકચાક કરી બોગસ બિલ બનાવવાનું ખુલ્યું, ગાંધીનગર બોર્ડ કચેરીના આદેશ બાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

ભાવનગર - બોટાદના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ હેઠળ વર્ષ ૨૦૧૯માં હાથ ધરાયેલ પાઇપલાઇન પાથરવાના કામના બીલમાં મોટાપાયે ગોલમાલ અને સરકારી નાણાની ઉચાપત કરવાનો સસંસનીખેજ મામલો સામે આવ્યો છે. રૃ. ૪.૧૮ લાખના અસલ બિલમાં ચેકચાક કરી તેને રૃ. ૮.૦૬ લાખથી વધુનું દર્શાવી સરકાર સાથે વિશ્વાસઘાત કરવા બદલ તત્કાલીન કાર્યપાલક ઈજનેર સહિત ત્રણ વ્યક્તિઓ સામે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ઝમરાળાથી કેરીયા નં-૨ સુધીની ૧૧૦ મીમી પી.વી.સી. પાઇપલાઇન પાથરવાના ટેન્ડર કામ અંગે એજન્સી મુસ્તુફા રસુલભાઈ વડદરીયાને વર્ક ઓર્ડર અપાયો હતો. આ કામગીરીનું આખરી બિલ રૃ. ૪,૧૮,૯૭૮ થતું હતું. જોકે, તત્કાલીન કાર્યપાલક ઈજનેર હરેશકુમાર છગનભાઈ ચૌહાણ (નિવૃત્ત) તથા સિનિયર ક્લાર્ક/ઇન્ચાર્જ હિસાબનીશ જેઠાલાલ પાલજીભાઈ સોલંકી (નિવૃત્ત) એ કોન્ટ્રાક્ટર મુસ્તુફા સાથે મેળાપીપણું કરીને કેશ વાઉચર નંબર ૧૧૩ વાળા બિલમાં ફેરફાર કરી રૃ. ૮,૦૬,૯૫૫ ચૂકવી દીધા હતા. આ રીતે રૃ. ૪,૦૮,૯૨૭ ની વધારાની રકમ મેળવી ઉચાપત કરવામાં આવી હતી. આ તમામ નાણાકીય વ્યવહારો ૨૯ જૂન ૨૦૧૯ના રોજ કરાયા હતા અને તેના આગલા જ દિવસે એટલે કે ૩૦ જૂને કાર્યપાલક ઈજનેર વયનિવૃત્ત થયા હતા.આંતરિક ઓડિટ રિપોર્ટ અને પ્રિવેન્ટીવ વિજિલન્સ સેલ, રાજકોટની તપાસ દરમિયાન આ નાણાકીય ગેરરીતિ સામે આવી હતી. ગાંધીનગર મુખ્ય કચેરી તકેદારી એકમ દ્વારા આદેશ મળતા બોટાદના વર્તમાન કાર્યપાલક ઈજનેર ઉષાબેન વાઘેલાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ.એસ. અને આઈ.પી.સી. ની વિવિધ કલમો હેઠળ ઠગાઈ, સરકારી હોદ્દાનો દુરુપયોગ અને કૂટલેખન (ફોર્જરી) નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.