Bhavnagar

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રાની તૈયારી અંતિમ તબક્કામાં

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં 16 જુલાઈએ 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ઇંધણ બચાવવાના સરકારી આહ્વાનને ધ્યાને લઈ, આ વર્ષે 60 થીમ આધારિત ટ્રકો જોડાશે. રથયાત્રાનું ફેસબુક, યુટ્યુબ અને વેબસાઇટ પર લાઈવ ટેલિકાસ્ટ થશે. ભાવેણાના મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે 'છેડાપોરા' વિધિ બાદ 8 વાગ્યે રથયાત્રા પ્રસ્થાન કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રાની તૈયારી અંતિમ તબક્કામાં

સંપૂર્ણ રથયાત્રાનું આ વર્ષે સળંગ લાઈવ ટેલીકાસ્ટ કરાશે

ઈંધણ બચાવવાની સરકારની અપીલને ધ્યાને લઈ થીમ બેઝ ૬૦ ટ્રકો જોડાશે, ભાવનગરની ૪૧ મી રથયાત્રા કોન્ટીટી બેઝ નહિ પણ કવોલીટી બેઝ નિકળશે

ભાવનગર -  સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત  રીતે આગામી અષાઢી બીજ તા. ૧૬ જુલાઈને ગુરૃવારે ૪૧ મી રથયાત્રા નિકળશે.અગાઉના વર્ષની તુલનામાં આ વખતની રથયાત્રામાં કોન્ટીટીના બદલે ભાવિકોને વિવિધ ફલોટસની કવોલીટીવાળા મર્યાદિત ૬૦ ટ્રકો અને વાહનો જોવા મળશે. આ ઉપરાંત સળંગ રથયાત્રા સમિતિના ફેસબુક પેજ પર, યુ ટયુબની લીંક તેમજ સમિતિની ઓફિશ્યલ વેબસાઈટ પરકથી લાઈવ જોવા મળશે.

ગુજરાત રાજયમાં બીજા ક્રમે આવતી ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગરમાં હર્ષોલ્લાસ પ્રવર્તી રહ્યો છે. સમિતિ દ્વારા આયોજિત આ રથયાત્રા સવારે ૮ કલાકે ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધિ કરી પૂજા અર્ચન કરાશે. સંતો, મહંતો,મહામંડલેશ્વર તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો,પદાધિકારીઓ, મહાનુભાવોની ઉપસ્થિતીમાં ભાવેણાના મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરસિહજીના હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ બાદ દબદબાપૂર્વક માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે. રથયાત્રાની આગળ આગળના ચોકમાં કલાત્મક રંગોળીઓ બનાવાશે. પેટ્રોલ ડિઝલની રાષ્ટ્રીય સમસ્યાને લઈને આ વખતની રથયાત્રામાં ટ્રક અને ટ્રેકટર સહિતના વાહનોની સંખ્યામાં ઘટાડો કરી ધાર્મિક, સાંસ્કૃતિક, પર્યાવરણ, સંરક્ષણ અને અવેરનેસની થીમની કવોલીટીવાળા ફલોટસ સાથેના ૬૦ ટ્રક, ૨૦ ટ્રેકટર, ર જીપ, ૧૫ છકરડા, ૧ હાથી, ૮ ઘોડા, મીની ટ્રેઈન, વાંદરો, નાસિક ઢોલ, તોપ,દુર્ગાવાહિની અને બજરંગદળના અખાડાઓ તેમજ ગણેશ ક્રિડાંમંડળ દ્વારા જીમ્નાસ્ટીક સ્કેટીંગના દાવો, બોડી બિલ્ડિંગ એસો.દ્વારા પ્રદર્શન કરાશે.તેમ સોમવારે યોજાયેલ પ્રેસમીટમાં જણાવી સમિતીના અધ્યક્ષ હરૃભાઈ ગોંડલીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે,રથયાત્રામાં ફલોટસ વચ્ચે થીમ આધારિત સ્પર્ધા યોજાશે. જેમાં એકથી પાંચ સુધીના ક્રમના વિજેતાને ઈનામો અને પ્રોત્સાહિત ઈનામો અને વેશભૂષા સ્પર્ધામાં એકથી ત્રણ ક્રમના વિજેતાને ઈનામો અપાશે. પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ વધે તેવા હેતુથી વૃક્ષોના રોપાઓનું વિતરણ કરાશે.આ વર્ષે રથયાત્રાની પાછળ ભાવનગર મનપા સફાઈ અભિયાન હાથ ધરશે.જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનો સ્ટુડન્ટસ ફોર સેવા આપવા જોડાશે. 

ભારે પવન, વરસાદના કારણે બેનરોનું સ્થાન હોર્ડિગ્સે લીધુ

સમિતિ દ્વારા દર વર્ષે રથયાત્રા અગાઉ વિવિધ વિસ્તારમાં બેનર્સ લગાવાતા હતા જે પવન અને વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થતા નુકશાન થતુ હતુ તેમાં સુધારો કરી આ વર્ષે રથયાત્રાની જાહેરાત કરતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

રથયાત્રાને લઈને ૨૦૦ થી વધુ કાર્યકરો સેવારત

રથયાત્રાને સફળ બનાવવા માટે સમિતિ દ્વારા માઈક્રો પ્લાનીંગ સાથે અંતિમ તબકકામાં તૈયારીઓ થઈ રહી છે.રથયાત્રાને લઈને સમિતિ દ્વારા પ્રચાર પ્રસાર, રથ મિકેનિકલ, ટ્રાન્સપોર્ટ,ફલોટસ સ્પર્ધાના નિર્ણાયકોની ટીમ, વહિવટી ટીમ, માઈક અને લાઈટ,ઓફિસ, ફેબ્રીકેશન વગેરે ટીમ ઉપરાંત ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો સક્રિય સેવારત છે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના વાઘા બનાવવાની હરજીવનભાઈ દાણીધારીયાએ સેવા આપી છે. જયારે સાફા બનાવવાની પ્રફૂલ્લાબેન બી. રાઠોડએ સેવા આપી છે.ભગવાનના રથને શણગારવાની માળીકામની સેવા મિહિરભાઈ પિતળિયા તથા હરિભાઈ બારૈયા દ્વારા થશે.આ વર્ષે પણ ધર્મપ્રેમી લોકોના યોગદાનનથી ત્રણ ટન ચણાની પ્રસાદી ધર્મપ્રેમીઓના યોગદાનથી મળી છે.