Bhavnagar

મહુવામાં ચાલુ એક્ટિવા પર જીવલેણ સ્ટંટ કરનારા તત્વો સામે પોલીસની લાલ આંખ

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
મહુવાના જનતા પ્લોટમાં મગન કરશનના પુતળા પાસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક્ટિવા પર 4 સવારી સાથે સ્ટંટ કરતા યુવકોને પકડ્યા. 3 યુવકો ઝડપાયા, જ્યારે 1 ફરાર થયો. પોલીસે ₹50,000નું એક્ટિવા જપ્ત કરી, પકડાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 281, 54 તથા મોટર વાહન અધિનિયમની કલમ 184, 177 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવામાં ચાલુ એક્ટિવા પર જીવલેણ સ્ટંટ કરનારા તત્વો સામે પોલીસની લાલ આંખ

ત્રણ ઝડપાયા, એક ફરાર, રૃા. ૫૦ હજારનું એક્ટિવા જપ્ત

મગન કરશનના પુતળા પાસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ૪ સવારી સાથે સ્ટંટ કરતા યુવકોને પોલીસે પકડયા

ભાવનગર -  મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં આવેલ મગન કરશનના પુતળા પાસે મોડી રાત્રે ચાલુ એક્ટિવા પર જોખમી સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકનારા યુવકો સામે મહુવા ટાઉન પોલીસે કડક કાર્યવાહી કરી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચાર સવારી બેસીને ચાલુ વાહને ઉભા રહી સ્ટંટ કરતા ત્રણ યુવકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડયા છે, જ્યારે એક ઇસમ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા ટાઉન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ શંભુભાઇ લખમણભાઇ ડાભી તથા પી.એસ.આઈ. વી.વી. પરમાર સહિતનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રિના આશરે ૧૨થ૩૦ વાગ્યાના સુમારે એક એક્ટિવા (નંબર - જીજે-૦૧-એક્સએસ-૭૩૭૩ ) પર ચાર યુવકો બેફામ ઝડપે આવતા નજરે પડયા હતા. આ યુવકો ચાલુ વાહને વચ્ચે ઉભા રહી જોખમી સ્ટંટ કરી રહ્યા હતા.પોલીસે તુરંત વાહન રોકાવતા પાછળ બેઠેલો વિજય ઉર્ફે લાલો ડોળાસીયા કૂદકો મારીને ભાગી ગયો હતો. પોલીસે સ્થળ પરથી  કુલદીપ કીશોરભાઇ મકવાણા (ઉં.વ. ૨૫), આકાશ છગનભાઇ શીયાળ (ઉં.વ. ૨૦) અને મનોજ રમેશભાઇ જમોડ (ઉં.વ. ૨૦) ને તાબે કર્યા હતા. વાહન ચાલક કુલદીપ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળી આવ્યું નહોતું.પોલીસે રૃ. ૫૦,૦૦૦ ની કિંમતનું એક્ટિવા કબજે કરી, પકડાયેલા ત્રણેય આરોપીઓ તથા નાસી છૂટેલા એક આરોપી સામે બી.એન.એસ.  કલમ ૨૮૧, ૫૪ તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૪ અને ૧૭૭ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.