ભાવનગર ST સ્ટેન્ડ પર પ્રેમિકા કોમલને ઢોર માર મારી હત્યા કરનાર ફૈઝલને પોલીસે ભણાવ્યો પાઠ, ઘટનાસ્થળે જ કાયદાનું ભાન કરાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar ST Bus Stand Murder Case : ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં આચરવામાં આવેલા એક અત્યંત સનસનાટીભર્યા હત્યાકાંડના કેસમાં પોલીસે કડક અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. જાહેર જનતાની હાજરીમાં જ એક નરાધમે પોતાની પ્રેમિકાને બેરહેમીથી ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ગંભીર ગુનાને ધ્યાને રાખીને નિલમબાગ પોલીસે પકડાયેલા આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે જઈને સમગ્ર બનાવનું ઝીણવટપૂર્વક રી-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું, જેણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.
7 મિનિટ સુધી આચરવામાં આવ્યો હતો ક્રૂર અત્યાચાર
આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી નામના શખ્સે પોતાની પ્રેમિકા કોમલને (નામ બદલેલ છે) એસ.ટી. બસ સ્ટેન્ડમાં આંતરીને જાહેરમાં જ હુમલો કર્યો હતો. આરોપીએ સતત 7 મિનિટ સુધી નિર્દયતાપૂર્વક કોમલને બેરહેમીથી ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાઓ થવાના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ક્રૂર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. જેને જોઈને સમગ્ર ભાવનગર શહેર હચમચી ગયું હતું અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઘટનાસ્થળે પોલીસ દ્વારા આરોપીનું રી-કન્સ્ટ્રક્શન
હત્યાની આ ઘટના બાદ ત્વરિત એક્શનમાં આવેલી નિલમબાગ પોલીસ ટીમે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને ઝડપી લીધો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને બસ સ્ટેન્ડના એ જ અસલ સ્થળે લાવીને રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જ્યાં તેણે આ જઘન્ય અપરાધ આચર્યો હતો. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ આકરી કાર્યવાહી જોઈને બસ સ્ટેન્ડ પર એકત્રિત થયેલા લોકટોળાએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને કામગીરીને બિરદાવી હતી.
પોલીસ દ્વારા આરોપીની કડક કાર્યવાહી
ભાવનગર પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવેલા આરોપીની એસ.ટી. બસ સ્ટેન્ડમાં જ કડક સરભરા કરવામાં આવી હતી. જે પ્રકારે તેણે એક માસૂમ યુવતીને ઢોર માર માર્યો હતો, તે જ પ્રકારે પોલીસે પણ તેને દર્દનો અહેસાસ કરાવ્યો હતો. પોલીસ દ્વારા બસ સ્ટેન્ડમાં પગથિયે અને બસ સ્ટેન્ડના પિલર સાથે બાથ ભીડાવીને આરોપીને કડક પાઠ ભણાવવામાં આવ્યો હતો. યુવતીને ઢોર માર મારીને જીવ લેનારા આ રાક્ષસને પોલીસે અસલી દર્દનો અહેસાસ કરાવ્યો હતો.




