Bhavnagar

રાજુલા છતડીયા રોડ પરનું પીસીસી કામ પ્રથમ વરસાદમાં જ ધોવાયું

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
રાજુલાના છતડીયા રોડ પર GUJDC દ્વારા નંખાયેલી પાણીની પાઇપલાઇન બાદ કરાયેલું PCC કામ 8 દિવસમાં જ ધોવાઈ ગયું. પ્રથમ વરસાદમાં જ સિમેન્ટ ગાયબ થતાં રસ્તા પર મોટા ગાબડા પડ્યા છે. લાખોના ખર્ચે બનેલા રોડની હાલત ખરાબ થતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો જવાબદારો પાસેથી રિકવરી અને ગુણવત્તાયુક્ત કામની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજુલા છતડીયા રોડ પરનું પીસીસી કામ પ્રથમ વરસાદમાં જ ધોવાયું

પાણીની પાઇપલાઇન માટે અડધો રસ્તો ખોદી નખાયો હતો

રોડ પર ઠેર-ઠેર ગાબડા અને ખાડા પડતા રાહદારીઓની મુશ્કેલી વધી, જવાબદાર પાસેથી રીકવરી કરી યોગ્ય કામની માંગ

રાજુલા -  સરકારી કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટાભાગે કામ થયા બાદ ખોદેલ રોડનું સમારકામ કરવાનું હોય છે. પરંતુ તે કામ થતું નથી અને જો થાય તો તે લોટ પાણી ને લાકડા જેવું જ કામ થાય છે. આવી જ ઘટના રાજુલાના છતડીયા રોડ પર બની છે. પાણીની લાઇન નખાયા બાદ થયેલ સમારકામ પ્રથમ વરસાદમાં પીસીસી કામની પોલ ખુલી હતી.

રાજુલા-છતડીયા રોડ પર જી.યુ.ડી.સી. દ્વારા પાઇપલાઇન નાખ્યા બાદ કરવામાં આવેલ પીસીસી કામ માત્ર આઠ દિવસમાં જ ખસ્તાહાલ બની ગયું છે. પ્રથમ અડધો ઇંચ વરસાદ પડતા જ રસ્તા પરના પીસીસીમાંથી સિમેન્ટ ગાયબ થઇ જતા અનેક જગ્યાએ મોટા ગાબડા પડી ગયા છે. લાખો રૃપિયાના ખર્ચ બાદ પણ રસ્તાની આવી હાલત થતા સ્થાનિક રહિશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડનું પીસીસી કામ અગાઉ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગુણવત્તાના અભાવે તે બેસી ગયું હતું. ત્યારબાદ બીજી વખત કરવામાં આવેલ કામગીરી પણ પ્રથમ વરસાદમાં જ ધોવાઇ જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વહેલી સવારે માર્ગ પરથી પસાર થતી અનેક મહિલાઓ અને રાહદારીઓ ગાબડાઓના કારણે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. લોકોની માંગ છે કે બેદરકારી દાખવનાર જવાબદારો પાસેથી રિકવરી કરવામાં આવે અને ફરીથી ગુણવત્તાયુક્ત પીસીસી કામ કરવામાં આવે. આ મુદ્દે રાજુલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. આરસીએમમાં રજૂઆત કરીને જી.યુ.ડી.સી. દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.