રિ-પાસીંગની ફીની સ્પષ્ટતા નહીં થતા ૨૦ વર્ષ જુના વાહન ધારકોને દંડનો ફટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સીઓટીમાંથી નિર્ણય નહીં થતા આરટીઓ અવઢમાં
૮ મેથી અમલવારીનો સેન્ટ્રલના પત્ર બાદ બે માસ દરમિયાન થયેલ રીપાસીંગ અંગે રિકવરી કરવી કે વધારાની ફી માંડવાળ કરવી
ભાવનગર - આરટીઓને આધુનિક બનાવવા સતત ફેરફારો થતા રહ્યા છે અને સાથો સાથ નિયમોમાં પણ બદલાવ લવાઇ રહ્યા છે. પરંતુ પરિપત્રમાં સ્પષ્ટતાના અભાવે રી-પાસીંગની કામગીરી ખોરંભાઇ હોવાનું જણાયું છે. જ્યારે રી-પાસીંગ નહીં કરાવનારને પર ડે ૫૦નો દંડ વાળો નિયમ શરૃ રહેતા વગર કારણે પેનલ્ટીનું ભારણ જે-તે વાહન ધારકને સહન કરવાનો વારો આવ્યો છે જેથી વહેલીતકે રી-પાસીંગ મામલે જુની ફી કે નવી ફી અને તેના નિયત ક્રાઇટ એરીયા જાહેર કરવા જરૃરી બન્યા છે.
ટ્રાન્સપોર્ટ વાહનોમાં રીપાસીંગના નિયમો લાગુ છે. જ્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલ માટે પણ રી-પાસીંગ લાગુ કરાયું છે ત્યારે જુની ફી સામે ૭૦૦થી વધુ વધારો ફીમાં કરવાનો નિર્ણય સેન્ટ્રલ ઓફીસથી લેવાયો છે. આ અંગે ૮ મેથી અમલ માટેનો પરિપત્ર પણ કરાયો છે. પરંતુ આ પત્રને સીઓટીનું એપ્રુવલ બાકી હોય નિયમોની સ્પષ્ટતા નહીં કરાતા અને સિસ્ટમમાં પણ અપડેટ નહીં આવતા આરટીઓ ઇન્સપેક્ટરો અવઢમાં મુકાયા હતાં. આ અંગે સ્પષ્ટતા કરવા પત્રો પણ લખાયા અને કેટલાક અરજદારોએ પણ ડાયરેક્ટ રજૂઆતો કરી છે પણ હજુ સુધી નિવેડો આવ્યો નથી. જ્યારે પરિપત્ર બાદ બે મહિના સુધી જૂના વાહનોને જુની ફી પ્રમાણે રી-પાસીંગ કરાયું છે. ત્યારે તેની પાસેથી નવી ફી વધારાની રીકવરી કરવી કે માંડવાળ કરવું તેની પણ સ્પષ્ટતા મંગાઇ છે. જ્યારે બીજા પક્ષે ૨૦ વર્ષમાં બીજીવારના રી-પાસીંગ માટેના વાહનોને જેટલું મોડુ થાય તેટલું પર ડે રૃપિયા ૫૦ કે તેથી વધુનો દંડ કરવાની જોગવાઇ છે. ત્યારે હાલ રી-પાસીંગ કામગીરી હોલ્ડ ઉપર રાખી દેવાતા આ જુના વાહન ધારકોને તંત્રના વાંકે પેનલ્ટી વધતી જાય છે અને નિર્ણય આવ્યે પેનલ્ટી માફી અંગેની પણ રજૂઆત થઇ શકે છે. જે પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
એનઆઇસીની સાઇટ અપડેશનથી વાહન એપમાં ખોટકો
આરટીઓની ઓનલાઇન કામગીરીમાં સતત નવા સુધારા આવતા રહ્યા છે ત્યારે એનઆઇસી દ્વારા પ્રોગ્રામ ચેન્જના નામે લાંબા સમયથી વાહન સાઇટ યોગ્ય રીતે કામ કરતી ન હોવાથી હાલ ટ્રાન્સફર ઓફ ઓનર્સપની કામગીરી અટકી પડી છે ત્યારે સર્વરના ઇસ્યુ પણ સતત હેરાન કરતા હોય અરજદારોને સમયનો વેડફાટ કરવો પડે છે. જ્યારે આરસી બુકમાં પણ સળંગ નામના નિયમને લઇ પણ અરજદારો હેરાન થતા હોવાનું જણાયું છે.




