Bhavnagar

ગારિયાધારના ૪ શખ્સને એક વર્ષની સજાનો હુકમ

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ગારિયાધારમાં 2 વર્ષ પૂર્વે 7 વર્ષના ભત્રીજાને મારવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા 4 શખ્સોએ બે ભાઈઓ પર હુમલો કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીઓને 1 વર્ષની સાદી કેદ અને રોકડ દંડ ફટકાર્યો છે. દંડમાંથી ફરિયાદીને ₹5,000 વળતર ચૂકવવા આદેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગારિયાધારના ૪ શખ્સને એક વર્ષની સજાનો હુકમ

સાત વર્ષના ભત્રીજા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી મારામારી કરી હતી

દંડની રકમમાંથી ફરિયાદીને વળતર પેટે પાંચ હજાર આપવા ફરમાન, દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ

ભાવનગર -  ગારિયાધારમાં બે વર્ષ પૂર્વે ભત્રીજાને મારવાનું કહેનાર શખ્સોને ઠપકો આપવા ગયાની દાઝ રાખી બે ભાઈ પર થયેલા હુમલાના કેસમાં ચાર આરોપીને એક વર્ષ સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગારિયાધારમાં પાલિતાણા રોડ, જૈન સોસાયટી પાછળ રહેતા અવેશએહમદભાઈ ફારૃકભાઈ કાસમાણી ગત તા.૧૬-૬-૨૦૨૩ને રવિવારના રોજ સાંજના સમયે પોતાના ઘરે હાજર હતા. ત્યારે તેમના ભાઈ અમીનભાઈના સાત વર્ષના દિકરોને તે જ વિસ્તારમાં રહેતા અશરફ અજીજભાઈ કનાડ અને વસીમ અજીજભાઈ કનાડ નામના શખ્સોએ 'તું અહીં ચાલતો નહીં નહીતર તને મારીશ' તેમ કહેતા અવેશઅહેમદભાઈએ શખ્સોના ઘરે જઈ ઠપકો આપ્યો હોય, જે બાબતને લઈ ઉશ્કેરાઈ ગયેલા અજીજ કનાડ, અશરફ અજીજભાઈ કનાડ, રહીમ અજીજભાઈ કનાડ અને વસીમ અજીજભાઈ કનાડે છુટ્ટા પથ્થરના ઘા અને ધોકા, લોખંડના સળિયા વડે મારમારી અવેશએહમદભાઈ તેમજ સાહેદોને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ગર્ભીત ધમકી આપી હતી. આ બનાવ અંગે બે મહિલા સહિત છ જણ સામે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

દરમિયાનમાં આ અંગેનો કેસ ગારિયાધારના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ એચ.આર.ઠક્કરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.ડી. સેજુની ધારદાર દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી વિદ્વાન ન્યાયમૂર્તિએ આરોપીઓ અજીજ કનાડ, અશરફ કનાડ, રહીમ કનાડ અને વસીમ કનાડને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ફરિયાદીને પાંચ હજાર રૃપિયા ચૂકવવા તેમજ જો દંડ ન ભરે તો વધુ એક માસ સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.