ભાવનગર આરટીઓમાં નોન કેસલેસ સેવા ઠપ્પ ઃ કેસલેસમાં પણ સીંગલ એપ્લીકેશન કરવા મજબુર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાહન સોફ્ટવેર અપડેટ થતા હજુ ૧૫ સપ્ટે. સુધીની શક્યતા
સ્ક્રેપ માટે રજિસ્ટ્રેશન રદ્દ કરાવવા કે વાહન ટ્રાન્સફરની પ્રક્રિયામાં માઇનોર એરરનું ગ્રહણ
ભાવનગર - ભાવનગર સહિત આરટીઓમાં વાહન સોફ્ટવેર નોન કેસલેસની સેવા લાંબા સમયથી ઠપ્પ બની છે. જ્યારે કેસલેસ સેવામાં પણ સીંગલ એપ્લીકેશન માંડ થાય છે જેથી ત્રણ કામ માટે અલગ અલગ દિવસ ફાલવવો પડી રહ્યો છએ. જે અરજદારો અને ડીલરો માટે માથાના દુઃખાવા સમાન બનેલ છે.
આરટીઓ કચેરી અદ્યતન બનાવવામાં આવી છે. પરંતુ જેના પર કામનું ભારણ છે તેવા સોફ્ટવેરને અપડેશન પાછળ લાંબો સમય વિતી રહ્યો છે જેનો ભોગ અરજદારો બની રહ્યા છે. હાલના સંજોગોમાં જાણવા મળ્યા મુજબ વાહન સોફ્ટવેરની નોન કેસલેસ સેવા ઠપ્પ થઇ છે. જ્યારે કેસલેસમાં અગાઉ હાઇપોથીકેશન, લોન કેન્સલ વગેરે કામો એક જ દિવસમાં થઇ જતા હતા તેના બદલે સીંગલ એપ્લીકેશનમાં કામ ધીમુ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત આધારકાર્ડમાં અને આર.સી. બુકમાં સમાન નામ હોય તો જ સોફ્ટવેર એક્સેપ્ટ કરે છે અન્યથા મીસમેચની એરર કામ થવા દેતું નથી અને અરજદારોને નામ સુધારવાની ફરજીયાત પળોજણમાંથી પસાર થવું પડે છે. આ સાથે તાજેતરમાં ગુન્હાહીત કૃત્યોમાં જે વાહનોનો ઉપયોગ થાય તે અન્ય માલિકના હોય તેવા બનાવો પણ ધ્યાને આવ્યા છે ત્યારે કચેરી દ્વારા હસ્તાંતરણની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યાં વગર અન્ય વ્યક્તિને વાહન નહીં સોંપવા અપીલ કરાઇ છે. સાથે કોઇપણ વાહન સ્ક્રેપ થાય તે પહેલા જે-તે વાહનનું રજિસ્ટ્રેશન રદ્દ કરાવવું આવશ્યક છે. જેથી સ્ક્રેપ થયેલા વાહનનો ગેરકાયદેસર ઉપયોગ ન થઇ શકે એવી પણ અપીલ કરવામાં આવી છે. આમ સુરક્ષાની બાબતમાં આરટીઓની અપીલ યોગ્ય છે પરંતુ જે અરજદારોને નિયમ મુજબ કાર્યવાહી કરવી છે તેનું નિયમાનુસાર કામ સોફ્ટવેરની ખામીના કારણે ધાર્યા સમયે થતું ન હોવાની પણ કડવી વાસ્તવિક્તા સામે આવી છે. જો કે, વાહન સોફ્ટવેર નોન કેસલેસ સેવા માટે અપડેશન શરૃ છે અને સંભવતઃ ૧૫ સપ્ટે.ની આજુબાજુ ફુલ પ્લેસ કામ કરશે તેવું જણાયું છે.




