Bhavnagar

આજથી નવરાત્રિ, આદ્ય શકિતની અખંડ ઉપાસનાનો અમૂલ્ય અવસર

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં આવતીકાલ, 11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો શુભારંભ થશે. ગોહિલવાડના શક્તિધામો અને માઈમંદિરોમાં ભક્તોની ભીડ જામશે. આ વર્ષે નવદુર્ગા હાથી પર સવાર થઈ આવશે, જે સુખ-સમૃદ્ધિનું પ્રતીક છે. જોકે, બે સાતમની તિથિને કારણે અષ્ટમી અને નોમના હવનમાં વિસંગતતા રહેશે. પ્રથમ નોરતે ઘટસ્થાપન કરી, માટીમાં 11 ધાન્ય વાવી જવારા ઉગાડવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી નવરાત્રિ, આદ્ય શકિતની અખંડ ઉપાસનાનો અમૂલ્ય અવસર

સાથિયા પુરાવો આજે, દિવડા પ્રગટાવો આજ, આજ મારે આંગણે પધારશે અંબે માડી...

આ વર્ષે નવરાત્રીમાં બે સાતમની તિથિને લઈને અષ્ટમી અને નોમના હવનમાં વિસંગતતા

ભાવનગર -  માડી તારા આવવાના એંધાણ થયા..., આવતીકાલ તા.૧૧ ઓકટોબરથી જગત જનની મા જગદંબાની ભકિતના પાવનકારી અવસર નવલા નવલી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર સહિત ગોહિલવાડના શ્રધ્ધેય પ્રાચીન અને અર્વાચીન શકિતધામો અને માઈમંદિરોમાં માઈભકતોના મીની મેળાવડાઓ જામશે.

દિવંગત પિતૃઓનું તર્પણ કરવાના શ્રાધ્ધપક્ષનું ભાદરવા માસના અંતિમ દિવસ શનિવારે સર્વ પિતૃ અમાસ સાથે સમાપન થયા બાદ આવતીકાલ તા.૧૧ ઓકટોબરને રવિવારથી શારદીય નવરાત્રિના પાવનકારી મહાપર્વનો પ્રારંભ થશે. આ સાથે માઈભકતો આદ્યશકિતની ભકિતમાં મગ્ન બની જશે. વર્ષ દરમિયાન શારદીય, ચૈત્રી, વાસંતિક અને ગુપ્ત એમ ચાર નવરાત્રિની ઉજવણી કરાય છે. જે પૈકી અતિ શુભદાયી શારદીય નવરાત્રિ મહોત્સવની આવતીકાલ તા.૧૧ થી ચોમેર ભાવ અને ભકિતમય માહોલમાં પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. આ વર્ષે નવદુર્ગા માતાજી હાથી પર બેસી આવશે જે સુખ સમૃધ્ધિનું પ્રતિક ગણાય છે. આ વર્ષે નવરાત્રીમાં સાતમની બે તિથિને લઈને અષ્ટમી અને નોમની તિથિની ઉજવણીમાં વિસંગતતા જણાશે. પ્રથમ નોરતે આજે રવિવારે સવારે માઈમંદિરો અને મઢમાં મંગલ મુર્હૂતે શાસ્ત્રોકત રીતે સવારે ઘટ સ્થાપન કરાશે. આ પ્રસંગે માટીમાં અગીયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડાશે. અને દશમાં દિવસે આ જવારાનું વિધિવત વિસર્જન કરાશે. નવરાત્રિના પ્રારંભથી શહેરીજનોની અનન્ય આસ્થાના પ્રતિક સમાન નગરદેવી રા.રા.ખોડીયાર માતાજી, નાના અને મોટા રૃવાપરી માતાજી, શીતળા માતાજી, મહાલક્ષ્મી  માતાજી, નાના અને મોટા અંબાજી,બાલા બહુચરાજી, અકવાડાના માતૃમંદિર માતૃધામ, કાળીયાબીડના મેલડી માતાજી, શકિત માતાજી, આશાપુરા માતાજી, ભંડારીયાના  બહુચરાજી માતાજી, નાગધણીબાના નાગલપરી ખોડીયાર માતાજી, ભગુડાના  મોગલ માતાજી, ઉંચા કોટડામાં ચામુંડા માતાજી સહિતના તમામ તમામ નામી અનામી પ્રાચીન અને અર્વાચીન માઈ મંદિરોમાં શ્રધ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડશે. આ સાથે ભાવિકો દ્વારા અનુષ્ઠાન, ચંડીપાઠ, નવાર્ણ મંત્રજાપ, ઉપવાસ એકટાણા કરાશે. યુવા ખેલૈયાઓ દ્વારા મન મુકીને રાસગરબાની રમઝટ બોલાવવામાં આવશે.