Bhavnagar

દવા લેવાનું અને દવાના સ્ટોકનું રિમાઈન્ડર આપશે મોબાઈલ એપ

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગર મેડિકલ કોલેજના PSM વિભાગના તબીબ ડો. સંજયે 'મેડિસ્નેપ' નામની મોબાઈલ એપ બનાવી છે. આ એપ દર્દીઓને સમયસર દવા લેવા, સ્ટોક મેનેજમેન્ટ અને વોટ્સએપ ગાર્ડિયન મોનિટરિંગ જેવી સુવિધાઓ પૂરી પાડે છે. ખાસ કરીને વૃદ્ધ અને નિરક્ષર દર્દીઓ માટે આ એપ ખૂબ ઉપયોગી થશે. આ એપને Student Startup and Innovation Policy હેઠળ એક વર્ષમાં તૈયાર કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દવા લેવાનું અને દવાના સ્ટોકનું રિમાઈન્ડર આપશે મોબાઈલ એપ

ભાવનગર મેડિકલ કોલેજના તબીબે બનાવી 'મેડિસ્નેપ' એપ્લિકેશન

ઇમેજ આધારિત રિમાઈન્ડ, કસ્ટમ શેડયૂલ અને સ્ટોક મેનેજમેન્ટ અને વોટ્સએપ ગાર્ડિયન મેનેજમેન્ટ જેવા ફીચરનો સમાવેશ

ભાવનગર -  ભાવનગર મેડિકલ કોલેજના તબીબે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત દર્દીઓ સમયસર દવા લેવાનું ભૂલે નહી તે માટે એક મોબાઈલ એપ બનાવી છે. 'મેડિસ્નેપ' નામની એપમાં વૃદ્ધો અને નિરક્ષર લોકોને દવા લેવાનું અને દવાના સ્ટોકનું રિમાઈન્ડર આપે તેમજ વોટ્સએપ ગાર્ડિયન જેવા ફિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના પીએસએમ વિભાગના તબીબ ડૉ.સંજયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત દર્દી સમયસર દવા લેવાનું ભૂલે નહી તે માટે ખાસ 'મેડિસ્નેપ' નામની મોબાઈલ એપલીકેશ બનાવી છે. સામાન્ય રીતે દર્દીઓ દવાનું નામ વાંચવામાં કે સમજવામાં ભૂલ કરતા હોય છે. તેમજ વૃદ્ધ અને નિરક્ષર લોકો માટે દવાના નામ વાંચવા અઘરા બને છે. જેના ઉકેલ માટે ડૉ.સંજયે બનાવેલી આ એપમાં દર્દી દવાનો ફોટો અપલોડ કરશે તે બાદ દર્દીને જે-તે દવા લેવાના સમયે ફોટો સાથેનું રિમાઈન્ડર મળશે. આ એપમાં દર્દી પોતાની દવાનું જરૃરિયાત મુજબ ટાઈમટેબલ ગોઠવી શકે તથા સ્ટોક ટ્રેક કરી શકે તેવા ફીચર આપવામાં આવ્યા છે. વધુમાં એપમાં વોટ્સએપ આધારિત ગાર્ડિયન મોનિટરિંગ પણ આપવામાં આવ્યું છે. જેનાથી વૃદ્ધ દર્દીની સંભાળ રાખનારા તેના સંતાનો કે સંબંધિ કે વાલીને વોટ્સએપમાં દવા લેવાનો સમય અને સ્ટોક અંગેનો ઓટોમેટિક મેસેજ મળી જાય છે અને તેના માટે ગાર્ડિયને મોબાઈલ એપ ઈન્સ્ટોલ કરવી ફરજિયાત નથી. એક વર્ષના સમયગાળા દરમિયાન તૈયાર કરવામાં આવેલી આ એપ ટીબી, ડાયાબિટિસ, હાઈપરટેન્શન, લાંબા ગાળાના રોગના દર્દીઓ, સગર્ભા માતાઓ અને વૃદ્ધો માટે ઉપયોગી સાબિત થશે. હાલ આ એપના ક્રિએટિવ ભાગોને કોપીરાઈટ અંતર્ગત સુરક્ષિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.