Bhavnagar

અનઅધિકૃત મદ્રેસા ચલાવતા મૌલાના સામે ગુનો નોંધાયો, ૧૦ દિવસના રિમાન્ડ મંજુર

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
ભાવનગર ગ્રામ્ય પોલીસે સિદસરના હાઉસિંગ બોર્ડમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં ગેરકાયદે મદ્રેસા ચલાવતા મૌલાના મહમદ સફીક મહેડિયાની ધરપકડ કરાઈ. ઘરમાંથી ધાર્મિક વૈમનસ્ય ફેલાવતું અને રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડતું ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૌલાનાના ફંડિંગ અને મદદ કરનારા વધુ બે શખ્સની તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનઅધિકૃત મદ્રેસા ચલાવતા મૌલાના સામે ગુનો નોંધાયો, ૧૦ દિવસના રિમાન્ડ મંજુર

ઘોઘા બાદ સીદસરમાં ભાવનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસનું 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન'

હાઉસિંગ બોર્ડના મકાનમાં ગેરકાયદે મદ્રેસા ચલાવનારા મૌલાનાના ફંડિગ અને સાહિત્યની તથા મદદ કરનારા વધુ બે શખ્સની તપાસ શરૃ

ભાવનગર -  ભાવનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસે થોડાં દિવસો પૂર્વે ઘોઘામાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન કર્યું હતું. જે બાદ ગત રોજ સીદસર (શામપરા) વિસ્તારમાં આવેલ ૨૫ વારિયામાં પણ ફરી કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાંથી અનઅધિકૃત મદ્રેસા ચલાવતા મૌલવીની અટક કરવામાં આવ્યા બાદ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયા હતો અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. બીજી તરફ પોલીસે ધાર્મિક વૈમનસ્ય પેદા કરતું સાહિત્ય કબજે કરી જુદાં-જુદાં એન્ગલથી તપાસ હાથ ધરી છે.

ભાવનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસે ઘોઘા બાદ ગત રોજ સિદસર (શામપરા) વિસ્તારમાં આવેલા ૨૫ વારિયા હાઉસિંગ વસાહતમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસમાં અહીં ગેરકાયદે મદ્રેસા ચાલતું હોવાનું ખુલતા પોલીસે આ અનઅધિકૃત મદ્રેસાના મૌલાના મહમદ સફીક અબ્બાસભાઈ મહેડિયા (હાલ રહે. રૃમ નં.૪૬, ૨૫ વારિયા, સીદસર (શા), મુળ રહે.બાદરગઢ ગામ, તા.પાલનપુર, જી.બનાસકાંઠા)ની અટક કરી ઘરની જડતી કરતા ઘરમાંથી ધાર્મિક વૈમનસ્ય ફેલાવતું, વિવિધ ધાર્મિક સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડતું, રાષ્ટ્રીય એકતા, અખંડીતતાને નુકસાન પહોંચાડતું તથા રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન થાય તેવા ઉશ્કેરણીજનક લખાણોવાળું સાહિત્ય મળી આવ્યું હતું. અરબી અને ઉર્દૂ ભાષામાં લખાયેલા સાહિત્યની ઉંડાણપૂર્વકની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૌલાના પાસે આજુબાજુના વિસ્તારમાંથી ૧૫-૨૦ જેટલા બાળકો ધાર્મિક શિક્ષણ લેવા આવતા હતા ઉપરાંત તેની પાસેથી મળી આવેલા રજીસ્ટરમાં બાળક અને તેના માતા-પિતાનું નામ તથા તેમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હોય તેવી વિગતો મળી છે. આ મામલે વિગતો આપતા એએસપી ઘનશ્યામ ગૌતમે જણાવ્યું છે કે, ભાવનગરમાં રહેતા મૌલાના યુસુફ અને મૌલાના અનાસ તેને અહીં લાવ્યા હતા અને મદદ કરતા હતા. ભરૃચમાં શિખીને તે ઓક્ટોબર-૨૦૨૪થી અહીં રહેતો હતો. તેમજ કોઈ ટ્રસ્ટ દ્વારા તેને ફાઈનાન્સ કરવામાં આવતું હોવાનું જાણવા મળતા તેના ફંડિંગ તથા મદદ કરનારા લોકોની તપાસ ચાલી રહી છે. તેમજ તેના મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે દરેક જિલ્લામાં એન્ટી રેડીક્લાઈઝેશન સેલ કાર્યરત કર્યો છે. જે સંદર્ભે આવી ઘટનાઓમાં ભોગબનનાર લોકોને તથા પરિવારોના કાઉન્સેલિંગને પ્રાથમિકતા આપવામાં આવશે. આ મામલે મહમદ સફીક અબ્બાસભાઈ મહેડિયા સામે વરતેજ પોલીસ મથકમાં બીએનએસની કલમ ૧૯૬(૧)(એ), ૧૯૬(૧)(બી), ૧૯૬(૨), (૧૯૭)(૧)(સી), ૧૯૭(૧)(ડી), ૧૯૭(૨), ૨૯૯, ૩(૫) અને ૫૪ મુજબ ગુનો નોંધી ૧૨ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. ઉલ્લેખનિય છે કે, થોડા મહિનાઓ પહેલા આ વિસ્તારમાં અનઅધિકૃત હેતુફેર, દુકાનો અને ધાર્મિક સ્થળો બન્યા હોવાની તથા બહારથી આવેલા લોકો દ્વારા ભણાવવામાં આવતી હોવાની અરજીઓ મળી હતી. જેના અનુસંધાને આ કાર્યવાહી થઈ છે.

વસાહતમાં બિનઅધિકૃત રીતે રહેનારાને નોટિસ, હથિયારો સાથે મળી આવનારા સામે કાર્યવાહી

કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે ત્રણ ઈસમો છરી તથા લાકડી જેવા હથિયાર સાથે મળી આવતા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. ઉપરાંત જરૃરી દસ્તાવેજો વગરના ચાર વાહન ડિટેઈન કરી આરટીઓ દ્વારા દંડ વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત ૨૦ અનઅધિકૃત વીજ જોડાણ ધરાવતા અને એક વાણિજ્ય અને એક ઘર વપરાશ કનેક્શનોમાં વીજચોરી પકડાતા પીજીવીસીએલ દ્વારા રૃા.૪૨ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તદઉપરાંત બિનઅધિકૃત રીતે વસાહતમાં રહેતા ૫૦ લોકોને હાઉસિંગ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

સાહિત્યમાં ધાર્મિક યુદ્ધ અને ક્રાંતિની વાતો લખેલી હતી

પોલીસે મૌલાના પાસેથી તેના દ્વારા લખેલું અને તે સમજાવી ન શક્યો હોય તેવું ઉર્દૂ કે અરબી ભાષામાં લખેલું ૧૫-૨૦ સાહિત્ય કબજે કર્યું છે. જેને ટ્રાન્સલેટ કરવા માટે પ્રોફેશ્નલ ટ્રાન્સલેટરની મદદ લેવાઈ રહી છે. આ લખાણમાં ધાર્મિક યુદ્ધ, ક્રાંતિ લાવવાની, ભેગા થવાની, ખાનગી ફૌજ તથા રાષ્ટ્રીય પ્રતિકોના અપમાન કરતી અને કટ્ટરતા ફેલાવતી બાબતો લખેલી હતી.