Bhavnagar

જૂની અદાવતમાં મહિલા પર હુમલો કરી બાળકની ફીના રૃ.૪ હજાર લૂંટી ફરાર

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ઘોઘારોડ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો હતો. જૂની અદાવતનું વેર વાળવા તુષાર ઉર્ફે તુષુ, રાજભા અને વિવેક નામના 3 ઇસમોએ છરી-પાઇપ સાથે કલ્પનાબેન પુરોહિત પર હુમલો કર્યો. આરોપીઓએ બાળકની સ્કૂલ ફીના 4,000 રૂપિયા લૂંટી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા. ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂની અદાવતમાં મહિલા પર હુમલો કરી બાળકની ફીના રૃ.૪ હજાર લૂંટી ફરાર

ભાવનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક

વેર વાળવાની દાઝ રાખી ત્રણ શખ્સોએ ઘોઘારોડ વિસ્તારમાં હાથમાં છરી અને પાઇપ સાથે મચાવ્યો ભારે ઉત્પાત

ભાવનગર -  શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલ સુભાષનગર પુલ નજીક જૂની અદાવતનું વેર વાળવા માટે ત્રણ ઈસમોએ હથિયારો સાથે મહિલા પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપીને લૂંટ ચલાવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. બાળકની શાળાની ફી ભરવા રાખેલા રૃપિયાની લૂંટ ચલાવી હુમલાખોરો ભાગી છૂટયા હતા.

બનાવની વિગત મુજબ, સુભાષનગર ખાતે રહેતા કલ્પનાબેન અમિતભાઈ પુરોહિત (ઉ.વ. ૪૦) સવારના આશરે પોણા અગિયાર વાગ્યે પોતાના ૧૨ વર્ષના પુત્ર ક્રિશીવને સ્કૂલે મોકલવા રિક્ષાની રાહ જોઈ ઘર બહાર ઉભા હતા. તે સમયે સ્મશાનવાળા રસ્તા તરફથી એક મોટરસાયકલ પર તુષાર ઉર્ફે તુષુ, રાજભા અને વિવેક નામના ત્રણ ઈસમો હાથમાં છરી અને લોખંડનો પાઈપ લઈને ધસી આવ્યા હતા. ત્રણ દિવસ અગાઉ કલ્પનાબેનના પતિએ તુષાર સામે મારમારીની ફરિયાદ નોંધાવી હોઈ, તેની દાઝ રાખી ત્રણેય ઈસમો ગાળો આપવા લાગ્યા હતા.દરમિયાનમાં તુષારે તારા પતિએ મારી સામે ફરિયાદ કરીને મારું શું કરી લીધું.તેમ કહી ઝપાઝપી કરી હતી. રાજભાએ કલ્પનાબેનને પકડી રાખ્યા હતા જ્યારે તુષારે છરી બતાવી મહિલાના હાથમાં રહેલા બાળકની સ્કૂલ ફીના રૃ.૪,૦૦૦ ઝૂંટવી લીધા હતા અને તેમને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. રાડો પાડતા પતિ અમિતભાઈ તથા પરિવારજનો બહાર દોડી આવતા, ત્રણેયે હવે પછી બહાર ક્યાંય મળીશ તો જીવતો નહીં રહેવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ઘટના બાદ પીડિત પરિવારે તાત્કાલિક ૧૧૨ પર પોલીસને જાણ કરી હતી. ઘોઘારોડ પોલીસે કલ્પનાબેનની ફરિયાદના આધારે ત્રણેય હુમલાખોરો સામે બી.એન.એસ. કલમ ૩૦૯(૪), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ અને જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.