વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવાન પર ઘાતક હુમલો, ૮ હજાર લૂંટી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તળાજા તાલુકાના પાવઠી ગામે બનાવ બન્યો
વ્યાજે લીધેલા રૃપિયા કરતા બમણા ચૂકવ્ય છતાં વધુ ૧ લાખની માંગણી કરી ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
ભાવનગર - ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે વ્યાજખોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે.એક વર્ષ પહેલા લીધેલા રૃ. ૫૦,૦૦૦ ના બદલામાં વ્યાજ અને મુદ્દલ સહિત રૃ. ૮૦,૦૦૦ પરત ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરોએ વધુ રૃપિયાની માંગણી કરી યુવાન પર હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યું હોવાની ઘટના બની છે.આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
તળાજાના પાવઠી ગામે રહેતા અને ઇન્ડસ ટાવર કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ ખસિયા (ઉ.વ. ૩૦) તેમણે અગાઉ સથરા ગામના અનિલ હાજાભાઈ આજરા પાસેથી ૧૦ ટકા વ્યાજે ૫૦,૦૦૦ રૃપિયા લીધા હતા.આ રકમ સામે તેમણે રૃ. ૮૦,૦૦૦ ચૂકવી દીધા હોવા છતાં અનિલ અવારનવાર બળજબરીથી રૃ. ૧,૦૦,૦૦૦ ની માંગણી કરતા હતા.ગત ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાત્રે અજાણ્યા નંબરથી ફોન કરી ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તારીખ ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાત્રે સાડા બારેક વાગ્યે અનિલ હાજાભાઈ આજરા, કરણ સોંડાભાઈ પરમાર, ગોવિંદ સોંડાભાઈ પરમાર અને સુરેશ કરશનભાઈ ચૌહાણ લોખંડના પાઈપ અને લાકડી લઈને જીગ્નેશભાઈના ઘરે પહોંચ્યા હતા. તમામે ઘરમાંથી બહાર બોલાવી લોખંડના પાઈપ અને લાકડી વડે આડેધડ માર માર્યો હતો, જેના કારણે ડાબા હાથે ફેક્ચર થયું હતું. આ દરમિયાન શર્ટના ખિસ્સામાંથી બળજબરીથી ૮,૦૦૦ રૃપિયા પણ કાઢી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.




