Bhavnagar

લઠ્ઠાકાંડ, બુટલેગરો અને ખાખીની નાપાક મિલીભગતનો પર્દાફાશ, એસએમસીએ કોન્સ્ટેબલને દબોચ્યો

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં 13 નિર્દોષનો ભોગ લેનાર લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ સપાટો બોલાવ્યો છે. 38 આરોપીઓની ધરપકડ બાદ હવે ખાખી વર્દીધારીઓ પર ગાળિયો કસાયો છે. બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની SMC એ ધરપકડ કરી, જેને કોર્ટે 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. આ કાર્યવાહીથી ભાવનગર પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લઠ્ઠાકાંડ, બુટલેગરો અને ખાખીની નાપાક મિલીભગતનો પર્દાફાશ, એસએમસીએ કોન્સ્ટેબલને દબોચ્યો

અદાલતે પોલીસ કોન્સ્ટેબલના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો

૧૩ નિર્દોષોનો ભોગ લેનાર કારમા લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની સપાટોઃ ૩૮ આરોપીઓ બાદ હવે ખાખી વર્ધીધારી પર ગાળિયો મજબૂત

ભાવનગર -  ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં જેટલા લોકો મોતને ભેટી ચૂક્યા હતા અને આ લઠ્ઠાકાંડને લઈ ભાવનગર પોલીસ પર સવાલો ઉઠવા શરૃ થઈ ગયા હતા. આ સમગ્ર તપાસો એસએમસીને સોંપવામાં આવતાની સાથે જ ફટાફટ ૩૮ જેટલા લઠ્ઠાકાંડના આરોપીઓને ઉઠાવી લઈ જેલના સળિયા ગણતા કરી દીધા હતા તેની સાથે બુટલેગરો સાથે સાંઠ-ગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ પર પણ સિકંજો કસવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા તેવામાં બુટલેગરો સાથે સાંઠ-ગાંઠ ધરાવતા પોલીસ કોન્સ્ટેબલને એસએમસી એ મોડી રાત્રે ઉઠાવી દીધો હતો અને સઘન પૂછપરછ બાદ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

ભાવનગરની ધરા પર ૧૬ દિવસ પહેલાં સર્જાયેલા દર્દનાક અને કાળજું કંપાવી દેનારા લઠ્ઠાકાંડના ઘેરા પડઘા હજુ શમ્યા નથી. ઝેરી મિથેનોલયુક્ત કેમિકલે ૧૩ નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો અને ૭૧થી વધુ ઝીંદગીઓને હોસ્પિટલના ખાટલે ધકેલી દીધી હતી. આ માનવસજત હોનારતના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે હવે સ્ટેટ મોનિટરિંગ સેલએ ખાખી વર્ધી પાછળ છુપાયેલા કાળી કમાણીના કારોબારીઓ સામે ભીંસ વધારીને કાયદાનો દંડો પછાડયો છે. તપાસની શરૃઆતથી જ આક્રમક વલણ અપનાવનાર એસએમસીની ટીમે આ પ્રકરણમાં અત્યાર સુધીમાં માસ્ટરમાઇન્ડ અને મિથેનોલનો મુખ્ય જથ્થો પૂરો પાડનાર સપ્લાયર સહિત ૩૮ તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ આ આખી સિન્ડિકેટ માત્ર બુટલેગરોના દમ પર નહીં, પણ કાયદાના રક્ષકોની મિલીભગતથી ચાલતી હોવાનો પર્દાફાશ થતાં એસએમસીના આઈજીપી ગગનદીપ ગંભીરે કડક વલણ અપનાવ્યું હતું. લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને બુટલેગર ગૌતમ સોલંકીના ફોન કોલ ડિટેલ્સ સીડીઆરનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના એએસપી ઘનશ્યામ ગૌતમની ઓફિસ હેઠળના નાસતા-ફરાતા સ્ક્વોર્ડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ અને બુટલેગર વચ્ચે વારંવાર ટેલિફોનિક આપ-લે થઈ હોવાનું ખુલ્લું પડયું હતું. આ ઠોસ પુરાવાઓને આધારે એસએમસીએ મોડી રાત્રે સપાટો બોલાવી કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની ધરપકડ કરી લીધી છે. ઘટનાની ગંભીરતાને જોતાં આશંકાના ઘેરામાં આવેલા રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની લઠ્ઠાકાંડ બાદ તાત્કાલિક સિંગલ/ખાનગી ઓર્ડરથી વેળાવદર સનેશ પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવામાં આવી હતી. જોકે, એસએમસીના તપતા તપાસના તાપ આગળ આ ચાલ પણ નિષ્ફળ નીવડી છે. રાજ્યના ડીજીપી જ્ઞાાનેન્દ્રસિંહ મલિક દ્વારા આ કેસની તપાસ એસએમસીના આઈજીપી ગગનદીપ ગંભીર, ડીઆઈજી વિશાલકુમાર વાઘેલા અને એસપી મયુરસિંહ ચાવડાની ઉચ્ચસ્તરીય ટીમને સોંપવામાં આવી છે. એસએમસીએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ,૭ પીઆઇ, ૮ પીએસઆઇ ઉપરાંત ભાવનગર એસપી નીતિશ પાંડેય અને ગ્રામ્ય એએસપી ઘનશ્યામ ગૌતમના નિવેદનો પણ નોંધ્યા છે. વરતેજ પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓના નંબર પણ સીડીઆરમાં મળતાં હાલ તેમની પણ આકરી પૂછપરછ ચાલી રહી છે. આ સમગ્ર લઠ્ઠાકાંડના પ્રકરણમાં ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ઘનિ પૂછપરછ કર્યાં બાદ તેમને ભાવનગર કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. એસએમસી દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવા અને આગળની તપાસની ગંભીરતાને ધ્યાને રાખીને સિવિયર પરિણામો વચ્ચે કોર્ટે આરોપી પોલીસકર્મીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આ સમગ્ર કાર્યવાહીથી ભાવનગર પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.