Bhavnagar

સવા વર્ષમાં રૃા.૩૩.૮૯ કરોડનું બોગસ બિલિંગ કરનાર જેલહવાલે

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે બોગસ બિલિંગ સામે મોટી કાર્યવાહી કરી છે. મેસર્સ અરવા એક્ઝિમ નામની પેઢીના માલિક મુબીન લાખાણીએ સ્ક્રેપના વ્યવસાયમાં કાગળ પર ખોટા વ્યવહારો દર્શાવી 33.89 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. જીએસટીએ તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સવા વર્ષમાં રૃા.૩૩.૮૯ કરોડનું બોગસ બિલિંગ કરનાર જેલહવાલે

સેન્ટ્રલ જીએસટી વિભાગની સ્ક્રેપના વેપારી સામે કાર્યવાહી

અરવા એક્ઝિમના નામે પેઢી થકી કાગળ પર વ્યવહારો કરી ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી

ભાવનગર - બોગસ બિલિંગમાં કુખ્યાત બનેલા ભાવનગરમાં વધુ એક બોગસ બિલિંગ કરતી પેઢી સામે કાર્યવાહી સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. મેસર્સ અરવા એક્ઝિમ નામની પેઢી થકી સ્ક્રેપના વેપારીએ રૃા.૩૩.૮૯ કરોડની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. જેને સીજીએસટીએ ઝડપી લઈ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

બોગસ બિલિંગમાં કુખ્યાત બનેલા ભાવનગરમાં સેન્ટ્રલ જીએસટી ભાવનગર કમિશ્નરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મેસર્સ અરવા એક્ઝિમના નામે જીએસટી રજિસ્ટ્રેશન મેળવી  ભાવનગર શહેરમાં સ્ક્રેપનો વ્યવસાય શરૃ કરી કોઈ પણ પ્રકારના વાસ્તવિક વ્યવહાર કર્યાં વિના કાગળ પર ખરીદ-વેચાણના ખોટા વ્યવહારો દર્શાવી પેઢી ચલાવીને આશરે સવા વર્ષના સમયગાળામાં કુલ રૃા.૩૩,૮૯,૬૫,૪૪૪ (રૃા.૩૩.૮૯ કરોડ)ની ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (વેરાશાખા) મેળવી સરકારી તિજોરીને નુંકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું સેન્ટ્રલ જીએસટી વિભાગની તપાસમાં સામે આવતા ગત રોજ તા.૬-૮ના રોજ મેસર્સ અરવા એક્ઝિમના માલિક મુબીન મોહમ્મદશફીભાઈ લાખાણીની ધરપકડ કરી હતી. જે બાદ આજ રોજ તેને ભાવનગરના જ્યૂડિશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે મુબીન મોહમ્મદશફીભાઈ લાખાણીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં (જેલ હવાલે) મોકલવા હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ મેસર્સ અરવાહ એક્ઝિમ નામની પેઢીની ગત તા.૨૫-૦૪-૨૦૨૫ના રોજ જીએસટીમાં નોંધણી થઈ હતી અને છેલ્લા આશરે સવા વર્ષના સમયગાળામાં કુલ રૃા.૩૩.૮૯ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

બોગસ પેઢીના વ્યવહારોની ઉંડાણપૂર્વકની તપાસ થશે

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ જીએસટી વિભાગ મેસર્સ અરવાહ એક્ઝિમના એકાઉન્ટની ઉંડણપૂર્વક તપાસણી કરી રહી છે. શરૃઆતથી લઈને હાલ સુધીમાં બોગસ પેઢીના વ્યવહારોની ચકાસણી બાદ આગામી સમયમાં આ પેઢી સાથે વ્યવહાર કરનારા તમામ સામે પણ કાર્યવાહી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી તરફ સેન્ટ્રલ જીએસટી વિભાગની કાર્યવાહીએ વેપારી આલમમાં ચર્ચા જગાવી છે.