Bhavnagar

સમરસ હોસ્ટેલમાં સુવિધાના નામે મીંડું, કોઈ રજૂઆત સાંભળતું નથી

By GS Team
15 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરની સમરસ કુમાર-કન્યા છાત્રાલયમાં ભોજનમાંથી જીવજંતુ નીકળતા વિવાદ થયો છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે કલેક્ટરને રજૂઆત કરી છે કે, લાખોની ગ્રાન્ટ છતાં હલકી ગુણવત્તાનું ભોજન, પીવાના પાણીની સમસ્યા, લિફ્ટ બંધ રહેવી અને લુખ્ખા તત્ત્વોનો ત્રાસ છે. વિદ્યાર્થીઓ ભણે કે રજૂઆત કરે, તેવો પ્રશ્ન ઊભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમરસ હોસ્ટેલમાં સુવિધાના નામે મીંડું, કોઈ રજૂઆત સાંભળતું નથી

ભોજનમાં જીવજંતુ નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છેડયો

હોસ્ટેલ કેમ્પસ આસપાસ લુખ્ખા તત્ત્વોનો ત્રાસ ઃ વિદ્યાર્થીઓ ભણે કે રજૂઆત કરે ? પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ

ભાવનગર -  ભાવનગરની સમરસ હોસ્ટેલમાં સરકાર લાખો રૃપિયાની ગ્રાંટ આપતી હોવા છતાં સુવિધાના નામે મીંડું છે. કટકી કરવા વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાની અને અન્ય પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે.

ભાવનગરની કુમાર અને કન્યા સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં જીવજંતુ નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છેડયો છે. આ બાબતને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટર અને સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકને લેખિતમાં રજૂઆત કરાઈ છે. જેમાં અધિકારીઓની ખોરી દાનતના કારણે કન્યા છાત્રાલયમાં પીવાનું શુદ્ધ પાણી મળતું ન હોવાથી બહેનો બિમાર પડે છે. મહિનામાં ૨૦ દિવસ લિફ્ટ બંધ હોવાથી નવમાં માળે રહેતી વિદ્યાર્થિનીઓને પગથિયા ચડીને રૃમે પહોંચવું પડે છે. ભોજન પાછળ મહિનામાં વિદ્યાર્થી દીઠ રૃા.૩૫૦૦થી ૪૦૦૦નો સરકાર ખર્ચ કરે છે. તેમ છતાં જીવજંતુ નીકળવા, જમવાનું પાણી જેવું, ગુણવત્તા વિનાનું મળે છે. જો કોઈ વિદ્યાર્થી ફરિયાદ કરી તો તેને ખોટી રીતે નિશાન બનાવવામાં આવે છે. ત્યારે એવો પણ સવાલ ઉઠયો છે કે, વિદ્યાર્થીઓ ભણે કે રજૂઆતો કરે ? વોર્ડન પણ બહેનોની રજૂઆત સાંભળતા નથી. હોસ્ટેલ કેમ્પસ આસપાસ લુખ્ખા તત્ત્વોનો કાયમી ત્રાસ છે. ત્યારે આવા તમામ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા દલિત અધિકાર મંચે માંગણી કરી છે.