આઇએલઆર કચેરીઓ શરૃ તો કરી દેવાઇ પરંતુ કર્મચારીની ઘટ વચ્ચે વહિવટી ગુચ વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડીએલઆર અને સીટી સર્વેના એકીકરણ બાદ
ભાવનગર - ભાવનગર વિભાગમાં આઇએલઆરની વિવિધ ૧૧ કચેરી અલગથી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ વહિવટી સરળતાનો અભાવ છે અને સુવિધા પણ નહીવત હોવાના કારણે લેન્ડ રેકોર્ડના કર્મચારીને વહિવટી અને આર્થિક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. જે અંગે વર્ગ-૩ના કર્મચારી મંડળ (યુનિયન) દ્વારા રજૂઆત થવા પામી છે.
જુલાઇ માસનો પગાર હજુ બાકી, ફર્નિચર, રેકોર્ડ ટ્રાન્જેક્શન સાથે કામનું અસાધારણ ભારણ હોવાની ફરિયાદ
આઇએલઆર કચેરી અલગથી કરવાથી કર્મચારીના પગાર બ્લોક કે બંધ થવાની સ્થિતિ ઉભી થઇ છે. યોગ્ય બજેટ હેડ કે પગાર ચૂકવણીની સુદ્રઢ વ્યવસ્થા ન ગોઠવાવાના કારણે જુલાઇ માસનો પગાર હજુ સુધી થયો નથી, નવી કચેરી શરૃ કરાઇ છે. પરંતુ પુરતુ ફર્નિચરની સુવિધા ન હોવાથી કર્મચારી પ્રતિકૂળ પરિસ્થિતિમાં બેસીને કલાકો સુધી ફરજ બજાવે છે. રેકોર્ડની ફાઇલો, કિંમતી દસ્તાવેજોની હેરફેર માટે સત્તાવાર ભંડોળ કે વાહનની વ્યવસ્થા ન હોવાથી તમામ ટ્રાન્જેક્શન ખર્ચ માટે કર્મચારીઓને વ્યવસ્થા કરવી પડી રહી છે. પત્ર વ્યવહાર માટે જરૃરી ટપાલ, ટીકીટ, કાગળ, રજિસ્ટર અન્ય સ્ટેશનરીનો પણ અભાવ છે. પુરતા સ્ટાફ અને આધુનિક સંસાધનોના અભાવ વચ્ચે નવી કચેરીનું વહિવટી માળખું સંભાળવાનું હોવાથી કર્મચારીઓ પર કામનું ભારણ બમણું થઇ ગયું છે. સમયમર્યાદામાં કામ પુરૃ કરવાના દબાણના કારણે કર્મચારીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આ તમામ વહિવટી વિસંગતતાઓને કારણે કર્મચારીઓની કાર્યક્ષમતા પર માઠી અસર પડી રહી છે અને તેમનામાં ભારે અસંતોષની લાગણી વ્યાપી ગઇ છે. જે બાબતે યોગ્ય કરવા રજૂઆત થવા પામી હતી.
કચેરીઓ વધી પણ મહેકમ ત્યાંનું ત્યાં, આઉટ સોર્સ કર્મીની ઘટ
ડીએલઆર અને સીટી સર્વે કચેરીનું એકીકરણ કરાયું છે અને કુલ ૧૧ નવી આઇએલઆર કચેરી શરૃ કરાઇ છે જેથી કામગીરીનું સ્વાભાવિક ભારણ વધ્યું છે ત્યારે કાયમીની સાથે આઉટ સોર્સથી કામ કરતા કર્મચારીની પણ વિવિધ કર્મચારીઓમાં વહેચણી કરવામાં આવી છે. ઘણી જગ્યાએ બે કર્મચારી રહેતા ટપાલ દેવા કે કચેરીમાં કામગીરી માટે કોને રાખવા તેવા પ્રશ્નો પણ ઉઠે છે. ત્યારે આઉટ સોર્સના મહેકમને પણ વધારવું જરૃરી બન્યું છે.




