Bhavnagar

ભાવનગરમાં ગવર્મેન્ટ સીયુજી સીમકાર્ડ કૌભાંડનો પર્દાફાશ, બોગસ સરકારી આઈડી કાર્ડ બનાવતી ગેંગ ઝડપી

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં SOGએ ગઢેચી વડલાના A-1 કોમ્યુનિકેશન 'VI સ્ટોર' પર દરોડો પાડી નકલી સરકારી ID કાર્ડ બનાવી CUG સિમકાર્ડ વેચવાનું કૌભાંડ ઝડપ્યું. નયન લુભાણી અને બિજરાજસિંહ જાડેજા ગ્રાહકોના આધાર કાર્ડનો દુરુપયોગ કરી PGVCL, મહાનગરપાલિકા, LICના બોગસ ID બનાવતા હતા. પોલીસે 2 આરોપીઓ સામે ગુનો નોંધી, બોગસ દસ્તાવેજો અને મોબાઈલ જપ્ત કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં ગવર્મેન્ટ સીયુજી સીમકાર્ડ કૌભાંડનો પર્દાફાશ, બોગસ સરકારી આઈડી કાર્ડ બનાવતી ગેંગ ઝડપી

દુકાનમાંથી પીજીવીસીએલ, મહાનગરપાલિકા અને એલઆઈસીના નકલી કાર્ડ મળ્યા

ગ્રાહકોના આધાર કાર્ડ તેના ભાગીદાર આપતો હતો અને કમ્પ્યુટરની મદદથી નકલી સરકારી આઈડી કાર્ડ તૈયાર કરતો હતો

ભાવનગર -  ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગઢેચી વડલા વિસ્તારમાં આવેલ મોબાઈલ સ્ટોર પર દરોડો પાડીને ગેરકાયદેસર રીતે સરકારી કર્મચારીઓના બોગસ આઈડી કાર્ડ બનાવી સીયુજી (ક્લોઝ્ડ યુઝર ગૃપ) સીમકાર્ડ વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે એસઓજીએ બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજી ટીમને બાતમી મળી હતી કે, ગઢેચી વડલા સ્થિત એ-૧ કોમ્યુનિકેશન 'વીઆઈ સ્ટોર'નો સંચાલક નયન સતીષભાઈ લુભાણી સામાન્ય ગ્રાહકોના આધાર કાર્ડ મેળવી તેનો દુરુપયોગ કરતો હતો. સરકારી કર્મચારીઓને સસ્તા દરે મળતા સીયુજી પ્લાન વાળા સીમકાર્ડ મેળવવા માટે તે ગ્રાહકોના આધાર કાર્ડ પરથી સરકારી કચેરીના ખોટા ડોક્યુમેન્ટ અને આઈડી કાર્ડ બનાવતો હતો. દરોડા દરમિયાન પીજીવીસીએલ, મહાનગરપાલિકા અને એલઆઈસીના નકલી કાર્ડ મળ્યા હતા. દુકાનમાંથી વીજ કંપની, ભાવનગર મહાનગરપાલિકાના હેલ્થ ડીપાર્ટમેન્ટ તથા એલઆઈસીના નામના અનેક બોગસ આઈડી કાર્ડ અને નાગરિકોના આધાર કાર્ડ મળી આવ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે, નયન લુભાણી ગ્રાહકોના આધાર કાર્ડ તેના ભાગીદાર બિજરાજસિંહ જાડેજાને આપતો હતો, જે કમ્પ્યુટરની મદદથી નકલી સરકારી આઈડી કાર્ડ તૈયાર કરી આપતો હતો. એસઓજીએ બોરતળાવ પોલીસ મથકે ગુનો નોંધી, પોલીસે તમામ બોગસ દસ્તાવેજો અને મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલની ફરિયાદના આધારે બંને શખ્સઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અન્ય કેટલા બોગસ સીમકાર્ડ એક્ટિવેટ કરવામાં આવ્યા છે તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.