ભાવનગરમાં ૫૦૦થી વધુ સાર્વજનીક સ્થળોએ ગણેશ ઉત્સવનું આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અબીલ ગુલાલની છોળો વચ્ચે ગજાનનની શાહી પધરામણી કરાઈ
ઢોલ, નગારા, શરણાઈ,બેન્ડ અને ડીજેના સંગાથે વિઘ્નહર્તા ગણેશજીના આગમનને લઈને ચોતરફ ધર્મોલ્લાસ છવાયો
ભાવનગર - ગોહિલવાડમાં સોમવારે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ચોતરફ ધાર્મિક વિધિવિધાન અને ભકિતમય માહોલમાં વિઘ્નહર્તા ગણેશજીની આરાધનાના મહાપર્વ ગણેશ ઉત્સવનો રંગેચંગે શુભારંભ થયો છે. ભાવનગર શહેર-જિલ્લામાં અબીલ ગુલાલની છોળો વચ્ચે, આતશબાજીની જમાવટ સાથે અને રાસ ગરબાની રમઝટ સાથે ચોમેર શેરીઓ, મહોલ્લાઓમાં તેમજ રહેણાંકીય સોસાયટીઓના કોમ્યુનિટિ પ્લોટમાં, સાર્વજનિક મળી ૫૦૦થી વધુ સ્થળોએ ગજાનનની વિધિવત પધરામણી થતા ચોમેર ભારે ધર્મોલ્લાસનો માહોલ છવાયો છે.
વૈદિક કેેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી ગત તા.૧૩ ને રવિવારે શરૃ થઈને તા.૧૫ ને સોમવારે મોડી સાંજ સુધી રહેેલ જેથી સ્થાનિક અનેક ગણેશોત્સવના આયોજકો દ્વારા રવિવારે મોડી સાંજે અને અનેક સ્થળોએ સોમવારે ગણેશચતુર્થીએ આગમનની રંગદર્શી શોભાયાત્રા યોજાઈ હતી.જે વાજતે ગાજતે ધામધૂમથી સ્થાનિક મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. ઉદય તિથિ અનુસાર તા.૧૫ ને સોમવારથી ૧૦ દિવસીય ગણેશોત્સવનો ગોહિલવાડમાં પરંપરાગત રીતે ધામધૂમથી શુભારંભ થયો હતો.મહારાષ્ટ્રમાંથી પ્રેરણા લઈને ગોહિલવાડમાં શરૃ થયેલી ગણેશોત્સવની પરંપરા મુજબ ભાવનગર તેમજ બોટાદ શહેર તેમજ જિલ્લાભરમાં પણ અનેક સ્થળોએ પંડાલમાં અલગ અલગ રંગ અને થીમ પર આયોજન, ડેકોરેશન કરાયા હતા. એટલુ જ નહિ ગણેશોત્સવની શોભાયાત્રા પણ મહારાષ્ટ્રીયન સ્ટાઈલ અનુસાર વિશેષ થીમ પર નીકળી હતી. ભાવનગર શહેરમાં ક્રેસંટ, ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ,રૃપાણી સર્કલ, રૃપાણી દિવડી, પાનવાડી, વડવા, કણબીવાડ, વાઘાવાડી રોડ, પીરછલ્લા વોર્ડ અને વોરાબજાર સહિતના તમામ રહેણાંકીય તેમજ વ્યાપારીક વિસ્તારોમાં, વસાહતોમાં શેરીઓ, મહોલ્લાઓમાં ધામધૂમથી ગણેશોત્સવનો પ્રારંભ કરાયો હતો. અને ઠેર ઠેર ગજાનન ગણનાયકના આગમનના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા આ સાથે ચોમેર જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા અને ગણપતિબાપા મોરીયાનો ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠયો હતો.




