Bhavnagar

ખરકડીમાં દારૃની પાર્ટી બાદ ચાર યુવકોની તબિયત લથડી, એકનું મોત

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ કરુણાંતિકા સર્જાઈ છે. ઉપેન્દ્રસિંહ ગોહિલ (35)નું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 યુવકો - વિશ્વરાજસિંહ, ઘનશ્યામસિંહ અને એક અજાણ્યો યુવક - ભાવનગર અને જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વરતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. PM રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખરકડીમાં દારૃની પાર્ટી બાદ ચાર યુવકોની તબિયત લથડી, એકનું મોત

ત્રણ વ્યક્તિ હોસ્પિટલમાં જિંદગી સામે ઝઝુમી રહ્યા છે

ઘોઘા પંથકમાં લઠ્ઠાકાંડની આશંકા, વરતેજ પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી ઃ એક વ્યક્તિને સારવાર માટે જામનગર ખસેડાયો

ભાવનગર -  ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલાં યોજાયેલી એક દારૃની પાર્ટી બાદ કરૃણાંતિકા સર્જાઈ છે. મિજબાનીમાં કથિત રીતે દારૃનું સેવન કર્યાં બાદ ચાર યુવકોની શારીરિક સ્થિતિ ગંભીર રીતે લથડી હતી. જે પૈકી એક યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે અન્ય ત્રણ યુવકો હાલ ભાવનગર અને જામનગરની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

મળતી વિગતો અનુસાર, ઘોઘાના ખરકડી ગામના વાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ.૩૫), વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉં.વ.૨૪), ઘનશ્યામસિંહ જાડેજા દારૃની પાર્ટી માણી હતી. પાર્ટી બાદ ૩૫ વર્ષિય ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલને અચાનક શ્વાસ લેવામાં અતિશય તકલીફ પડવા લાગી હતી અને ઊલટી-ઊપકા શરૃ થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પ્રાણપંખેરૃં ઊડી ગયું હતું. દારૃના સેવન બાદ તબિયત લથડતાં અન્ય ત્રણ મિત્રોને પણ ત્વરિત તબીબી સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉં.વ. ૨૪) ભાવનગરની અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘનશ્યામસિંહ જાડેજા ભાવનગરની સદ્વિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય એક યુવક (અજાણ્યો) વધુ ગંભીર હાલત હોવાથી જામનગર ખાતે સારવાર માટે મોકલાયો આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પરિવારજનોએ તબીબો સમક્ષ કબૂલાત કરી હતી કે, યુવકોએ બે દિવસ પહેલાં દારૃ પીધો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતકના શબને પોસ્ટમોર્ટમ  અર્થે મોકલી આપવામાં આવ્યું છે. યુવકનું મોત ઝેરી દારૃના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર, તેનો સાચો ખુલાસો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે. આ ઘટનાને પગલે સમગ્ર ઘોઘા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશેઃ પીઆઈ

ખરકડી ગામે વિદેશી દારૃ પિધા બાદ થયેલા મોત મામલે વરતેજ પીઆઈ પઢેરિયાએ જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે રાત્રે વાડીમાં દારૃની પાર્ટી કર્યાં બાદ આજે સવારે ઉપેન્દ્રસિંહની તબિયત લથડતા સારવાર માટે ખસેડયા બાદ સારવારમાં મોત નિપજ્યું હતું. તેમનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે અને તે મુજબ આગળની કાર્યવાહી થશે.