આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગઢડાના જનડા ગામમાં દોઢ વર્ષ જૂની અદાવતમાં લોહિયાળ ખેલ
ભેંસો આડી ઉતરતા રિક્ષા ભટકાડી ઝઘડો શરૃ કરાયો, પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા
ભાવનગર - બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જનડા ગામેથી તાજપર જવાના રસ્તા પર સનસનાટી ભર્યો લોહિયાળ હુમલો પ્રકાશમાં આવ્યો છે. સાળંગપુર પીએચસી સેન્ટર ખાતે આયુષ મેડિકલ ઓફિસર અને તેમના પિતા પર ગામના જ બે મહિલા સહિત આઠ લોકોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને કોદાળી અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, ગઢડા તાલુકાના જનડા ગામે રહેતા અને સાળંગપુર પીએચસી સેન્ટર ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા સંજયભાઈ લાભુભાઈ રાઘવાણીના ભાઈના પત્નીને ફોન કરવા બાબતે દોઢ વર્ષ પહેલાં રામજી રમેશભાઈ રાઘવાણી સાથે બોલાચાલી થઈ હતી. આ જૂનું મનદુઃખ રાખીને ગઈકાલે સવારે સંજયભાઈ નોકરી પર જવા નીકળ્યા, ત્યારે રસ્તામાં પશુઓ આડા ઉતરતા તેમણે મોટરસાયકલ ઊભું રાખ્યું હતું. આ તકનો લાભ લઈ પાછળથી રમેશ કલ્યાણભાઈએ પોતાની છકડો રીક્ષા સંજયભાઈના બાઇક સાથે અથડાવી દીધી હતી અને ઝઘડો શરૃ કર્યો હતો. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. રમેશના પરિવારના સભ્યો રણજીત અને રવિ લાકડીઓ તથા ધર્મેશ કોદાળી લઈને ધસી આવ્યા હતા. ધર્મેશે સંજયભાઈના માથામાં કોદાળીનો ઘા ઝીંકી દીધો હતો, પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતા લાભુભાઈ પર મુન્નાએ લાકડીથી અને રામજીએ માથામાં કોદાળી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આસપાસના વાડીના લોકો દોડી આવતા હુમલાખોરો નાસી છૂટયા હતા. પિતા-પુત્રને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે બી.એન.એસની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૫૪ અને જી.પી. એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી બે મહિલા સહિત આંઠ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









