Bhavnagar

બોટાદમાં ડિમોલીશન ઃ ૪૦૦ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
બોટાદ નગરપાલિકાએ ટ્રાફિક સમસ્યા નિવારવા મેગા ડિમોલિશન હાથ ધર્યું. આગાખાન હોસ્ટેલથી શાક માર્કેટ સુધી, જેસીબી અને ટ્રેક્ટર વડે દુકાનોના શેડ, ઓટલા સહિત 400 ગેરકાયદેસર દબાણો હટાવ્યા. અગાઉ નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા, પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરાઈ. શહેરના માર્ગો ખુલ્લા થતા વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં ડિમોલીશન ઃ ૪૦૦ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

હોસ્ટેલથી શાક માર્કેટ સુધી બુલડોઝર ફરી વળ્યું

અગાઉ નોટિસ છતાં દબાણ ન હટાવાતા કાર્યવાહી કરાઈ, લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે

બોટાદ -  બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને સ્થાનિકોમાંથી વારંવાર મળતી ફરિયાદોને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા સોમવારે વહેલી સવારથી જ દબાણ હટાવવાની મેગા કાર્યવાહી હાથ ધરાઈ હતી. નગરપાલિકા અને પોલીસ તંત્રની આ સંયુક્ત કામગીરી હેઠળ શહેરની મુખ્ય બજારમાં વર્ષોથી ઉભા રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

બોટાદ નગરપાલિકાના અધિકારીઓની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સોમવારે સવારથી જેસીબી અને ટ્રેક્ટરની મદદથી કાર્યવાહી કરી શહેરના મુખ્ય માર્કેટ વિસ્તારમાં દુકાનોની બહાર ઉભા કરાયેલા શેડ, ઓટલા, લોખંડની ગ્રીલ તેમજ પડદાં સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.આગાખાન હોસ્ટેલથી શાક માર્કેટ તેમજ શિવાજી સર્કલથી મુખ્ય બજાર વિસ્તાર સુધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેરના મુખ્ય બજારોમાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ દબાણ અંગે અનેક ફરિયાદો મળતા તેના આધારે અગાઉ દુકાનદારોને સ્વૈચ્છાએ દબાણો દૂર કરવા માટે નોટિસો અપાઈ હતી. તેમ છતાં દબાણો યથાવત રહેતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.અંદાજે ૪૦૦ જેટલી દુકાનો બહાર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાતા મુખ્ય બજારોના રસ્તાઓ વધુ ખુલ્લા બનતા વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરી નગરપાલિકાના ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે,શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને જાહેર માર્ગો ખુલ્લા રાખવાના હેતુથી આ કાર્યવાહી કરાઈ છે અને આગામી સમયમાં પણ ગેરકાયદેસર દબાણો સામે નિયમિત ઝુંબેશ ચાલુ રખાશે.