Bhavnagar

રૃવાપરી રોડ પર જૂની અદાવતમાં દંપતી પર છરી વડે પ્રાણઘાતક હુમલો

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના રૂવાપરી રોડ પર જૂની અદાવતમાં જિગર ઉર્ફે કીટલીએ દંપતી પર છરી વડે હુમલો કર્યો. રમેશભાઈ જાદવ બાઈક સાફ કરતા હતા ત્યારે હુમલો થયો. પત્ની સોનલબેન બચાવવા વચ્ચે પડતા તેમને પણ ગંભીર ઇજાઓ થઈ. સોનલબેનને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા છે. ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૃવાપરી રોડ પર જૂની અદાવતમાં દંપતી પર છરી વડે પ્રાણઘાતક હુમલો

મહિલા સ્થિતિ ગંભીર બનતા અમદાવાદ રિફર

બાઇક સાફ કરી રહેલા પતિ પર હુમલો કરી વચ્ચે પડેલા પત્નીને પણ છરીના ઘા ઝીંકી દીધા

ભાવનગર -  શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૃવાપરી રોડ, જૂના કુંભારવાડા સ્ટીલકાસ્ટ કંપનીની સામે જૂની માથાકૂટની અદાવત રાખી એક શખ્સે દંપતી પર છરી વડે ખૂની હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

બનાવની વિગત મુજબ, રૃવાપરી રોડ ખાતે રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશભાઈ ઉર્ફે રૃતિક જયંતીભાઈ જાદવ (ઉ.વ. ૪૦) રવિવારે બપોરના સમયે પોતાના ઘરની બહાર મોટરસાઇકલ સાફ કરી રહ્યા હતા. તે સમયે તેમના જ વિસ્તારમાં રહેતો જિગર ઉર્ફે કીટલી હકાભાઈ રાઠોડ નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. અમારી વિરુદ્ધ એક વર્ષ પહેલાં કેમ ફરિયાદ કરી હતી. તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. રમેશભાઈએ ગાળો આપવાની ના પાડતા ખીજાયેલા જિગરે તેમને પેટમાં પાટુ મારી નીચે પાડી દીધા હતા અને માથાના ભાગે છરીનો ઘા મારી લોહીલુહાણ કરી દીધા હતા.પતિ પર હુમલો થતા દેકારો સાંભળીને ઘરની અંદરથી રમેશભાઈના પત્ની સોનલબેન બહાર દોડી આવ્યા હતા. તેમણે પતિને છોડાવવાનો પ્રયાસ કરતા જિગરે સોનલબેન પર પણ છરી વડે તૂટી પડી સાથળ, ડાબા હાથના કાંડા અને હોઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. દંપતીની રાડારાડ સાંભળી આજુબાજુના લોકો ભેગા થઈ જતાં જિગર ઉર્ફે કીટલી આજે તો તું બચી ગયો છે, હવે જીવતો નહીં મૂકું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો.ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રમેશભાઈને માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા, જ્યારે પત્ની સોનલબેનને કાંડાના ભાગે ગંભીર ઈજા હોવાથી લોહી બંધ ન થતાં વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.આ મામલે ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવની ફરિયાદના આધારે આરોપી જિગર ઉર્ફે કીટલી સામે બીએનએસ ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) તથા જીપી એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.