કૂતરાને પથ્થર મારવાના નજીવા મામલે ધારીયા-પાઈપથી હુમલો, દંપતી લોહીલુહાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાણપુર પોલીસમાં ચાર લોકો સામે ફરિયાદ
ધારપીપળા ગામની વાડીના રસ્તે બોલાચાલી બાદ પાડોશી પરિવારે જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો
ભાવનગર - બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે કૂતરાને પથ્થર મારવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતાં પાડોશી પરિવારે દંપતી પર ધારીયા અને લોખંડના પાઈપ વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં પતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ૨૭ જેટલા ટાંકા આવ્યા છે, જ્યારે પત્નીનો હાથ ભાંગી ગયો છે.
ઘટનાની વિગતો અનુસાર, ધારપીપળા ગામના રામાભાઈ માધાભાઈ જીડીયા અને તેમના પત્ની લીલાબેન બાઇક પર રાણપુર ખરીદી કરવા જઈ રહ્યા હતા. વાડીના કાદવ-કીચડવાળા રસ્તે લીલાબેન ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પાડોશી વલ્લભ જીડીયાની વાડીમાંથી એક કૂતરું કરડવા દોડયું હતું. જેથી રામાભાઈએ પોતાનો બચાવ કરવા કૂતરાને પથ્થર માર્યો હતો.આ બાબતનું મનદુઃખ રાખી વલ્લભના પુત્ર વિષ્ણુ ઉર્ફે વિશાલે હાથમાં લોખંડનું ધારીયું લાવી રામાભાઈના માથામાં બે ઘા ઝીંકી દીધા હતા. પત્ની બચાવવા વચ્ચે પડતાં વલ્લભે લોખંડના પાઈપથી હુમલો કરી લીલાબેનના જમણા હાથે ફ્રેક્ચર કરી દીધું હતું. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો કોદાળી અને ઈંટ લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.ઈજાગ્રસ્ત દંપતીને ૧૦૮ મારફતે ધંધુકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાણપુર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




