જૂની અદાવત અને ભંગારના ધંધાની દાઝ રાખી દંપતી પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બે ભાઈઓ સામે નિલમબાગ પોલીસમાં ગુનો દાખલ
ચાવડી ગેટ રામાપીરના મંદિર પાસે દંપતીને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર - ભાવનગર શહેરના ચાવડી ગેટ, રામાપીરના મંદિર પાસે રહેતા એક દંપતી પર જૂની માથાકૂટ અને ભંગારના વ્યવસાયની ખાર રાખી પાડોશમાં રહેતા બે ભાઈઓએ હુમલો કરી ઢોરમાર માર્યાનો બનાવ સામે આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ચાવડી ગેટ ખાતે રહેતા રીનાબેન વિશાલભાઈ યાદવ અને તેમના પતિ વિશાલભાઈ ઘરકામ તથા ભંગારની લે-વેચનો ધંધો કરે છે. મંગળવારના રોજ સવારના સવા દસેક વાગ્યાના અરસામાં દંપતી પોતાના ઘરે હતું, ત્યારે પાડોશમાં રહેતા આકાશ દિપાભાઈ ચુડાસમા અને સુનિલ દિપાભાઈ ચુડાસમા નામના બે ભાઈઓ અચાનક તેમના ઘરે આવી પહોંચ્યા હતા.
આકાશ અને સુનિલે જૂની માથાકૂટ તેમજ દંપતી ભંગારનો ધંધો કરતું હોય તે ગમતું ન હોવાથી ગાળાગાળી શરૃ કરી હતી. દંપતીએ ગાળો દેવાની ના પાડતાં બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વિશાલભાઈને શરીરે મૂઢમાર મારવા લાગ્યા હતા. પતિને બચાવવા વચ્ચે પડેલા રીનાબેન પર પણ આરોપીઓએ હુમલો કરી માર માર્યો હતો.આસપાસના લોકો ભેગા થઈ જતાં બંને આરોપીઓ આજે તો બચી ગયા છો, હવે પછી અમારા કામમાં આડા આવ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી છૂટયા હતા. ઈજાગ્રસ્ત દંપતીએ ૧૧૨ પર કોલ કરી પોલીસને જાણ કરી હતી અને નિલમબાગ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એએસઆઈ શક્તિસિંહ ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.




