Bhavnagar

વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાને લેતા ઉપલબ્ધ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ જરૃરી

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગર જિલ્લામાં 648 મીમી સામે 470 મીમી વરસાદ નોંધાયો છે. ખરીફ ઋતુમાં 436906 હેકટર સામે 417438 હેકટર વાવેતર થયું છે. વરસાદ ખેંચાતા ખેતીવાડી વિભાગે ખેડૂતોને આકસ્મિક પાક આયોજન હેઠળ પિયત વ્યવસ્થાપન, આંતરખેડ, નીંદામણ નિયંત્રણ અને પ્રવાહી ખાતરના છંટકાવ જેવા પગલાં લેવા અનુરોધ કર્યો છે, જેથી પાક ઉત્પાદન પર માઠી અસર ન થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાને લેતા ઉપલબ્ધ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ જરૃરી

જિલ્લામાં કુલ સરેરાશ ૬૪૮ મીમી સામે હાલ ૪૭૦ મીમી વરસાદ નોંધાયો

ખરીફ ઋતુમાં સરેરાશ ૪૩૬૯૦૬ હેકટર સામે ચાલુ સીઝનમાં ૪૧૭૪૩૮ હેકટર વાવેતર થયું

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુ ૨૦૨૬ દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાને લેતાં ખેતી પાકોના ઉત્પાદન પર માઠી અસર ન થાય તેમજ ઉપલબ્ધ વરસાદી પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આકસ્મિક પાક આયોજન અંતર્ગત જરૃરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હાલમાં ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુ ૨૦૨૬માં કુલ સરેરાશ વાવેતર વિસ્તાર ૪૩૬૯૦૬ હેકટર સામે ૪૧૭૪૩૮ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે કપાસ ૨.૧૮ લાખ હેકટર, મગફળી ૧.૧૪ લાખ હેગકટર, તુવેર ૧૪૮૬ હેકટર, સોયાબીન ૧૧૩૩ હેકટર તથા ઘાસચારો ૪૪૭૦૬ હેકટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. જિલ્લામાં કુલ સરેરાશ ૬૪૮ મી.મી. વરસાદની સામે અત્યાર સુધીમાં ૪૭૦ મીમી એટલે કે ૭૨.૫૩ ટકા વરસાદ નોંધાયો છે.

વરસાદ કેંચાવાના કારણે ખેતી પાકોમાં ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે જે ખેડૂતો પાસે પિયતની સુવિધા ઉપલબ્ધ હોય તેમણે પાકની કટોકટીની અવસ્થા જેવી કે વિકાસ અવસ્થા, વૃદ્ધિ અવસ્થા, ફુલ અવસ્થા, સુયા બેસવાની અવસ્થા, સિંગ બાંધવાની અવસ્થા તતા દાણા ભરાવાની અવસ્થાએ ક્યારામાં પિયત આપવાને બદલે આંતરપટે એટલે કે એકાંતર ચાસે પિયત આપવું. આ પદ્ધતિથી અંદાજે ૩૫ ટકા પિયત પાણીની બચત થઈ શકે છે. ડ્રીપ તથા ફુવારા પિયત પદ્ધતિ ઉપલબ્ધ હોય તો તેનો મહત્તમ ઉપયોગ કરવા પણ ખેડૂતોને અનુરોધ છે. કેશાકર્ષણથી જમીનમાં રહેલો ભેજ ઊડી ન જાય તે માટે લાંબા ગાળે વવાતા તતા હારબંધ વવાયેલા પાકોમાં આંતરખેડ કરવા ભલામણ કરવામાં આવે છે. જે પાકોમાં નીંદામણનો પ્રશ્ન હોય તે તમામ પાકોમાં સમયસર નીંદામણ કરી પાકને નીંદામણમુક્ત રાખવા તથા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાસાયણિક ખાતર ન આપવા તથા શક્ય હોય અને જરૃરી હોય તો તેનો યુરિયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા છંટકાવ કરવા ભલામણ કરવામાં આવે છે. હાલમાં ખાસ કરીને કપાસના પાકમાં ચૂસીયા જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો હોવાથી પ્રવાહી પ્રાકૃતિક જંતુનાશક દવાઓ અથવા લીંબોળીના તેલનો છંટકાવ કરી જીવાતનું નિયંત્રણ કરી શકાય.

પાકને પાણીની નહીં પણ ભેજની જરૃરિયાત હોય છે