Bhavnagar

મહુવા શહેરની સોસાયટી વિસ્તારમાં વીજધાંધિયાથી નાગરિકો ત્રાહિમામ

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
મહુવા શહેરમાં PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી કાગળ પર જ રહી હોય તેમ સામાન્ય વરસાદમાં વીજળી ગુલ થતા હાલાકી સર્જાઈ છે. સોસાયટી વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વીજતંત્ર દ્વારા ફરિયાદો પર ધ્યાન ન અપાતા, મોંઘા ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે. લોકો આળસુ કર્મચારીઓની બદલી અને વીજ પ્રશ્નોના નિરાકરણની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવા શહેરની સોસાયટી વિસ્તારમાં વીજધાંધિયાથી નાગરિકો ત્રાહિમામ

લોકોની ફરિયાદો પર  પુરતું ધ્યાન આપવામાં નથી આવતું

પ્રિ-મોનસૂન કામગીરી કાગળ પર થઈ હોય તેમ સામાન્ય વરસાદમાં વીજ પ્રશ્નો ઉભા થતાં હાલાકી

મહુવા -  મહુવા શહેરના સોસાયટી વિસ્તારોમાં પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સોસાયટી વિસ્તારમાં છાશવારે વીજળી ગૂલ થવાના લીધે નાગરિકોને હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ વીજતંત્ર દ્વારા લોકોની ફરિયાદો પર પુરતુ ધ્યાન આપવામાં નહી આવતું હોવાની રાવ ઉઠી છે ત્યારે આ પ્રશ્ને ચોક્કસ નિરાકરણ આવે તેવું વીજ ગ્રાહકો ઈચ્છી રહ્યાં છે.

મહુવા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વીજતંત્ર દ્વારા આળસ દાખવવામાં આવતી હોય તેમ લોકોની ફરિયાદોનો ઉકેલ આવતો નથી. ખાસ કરીને આળસુ કર્મચારીઓને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસૂન કામગીરીના નામે ઉનાળામાં કલાકો સુધીનો વીજકાપ ઝિંક્યો હતો, પરંતુ પ્રિ-મોનસૂન કામગીરી જાણે કાગળ પર જ થઈ હોય તેમ સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ગૂલ થઈ જાય છે. વધુમાં છેલ્લા ઘણાં સમયથી સોસાયટી અને હનુમંત ફીડરમાં વીજધાંધિયાને કારણે સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છાશવારે પાવરકટ થઈ જાય છે અને ફોલ્ટ સેન્ટર કે વીજ કચેરીમાં ફોન કરવામાં આવે તો ફોન એન્ગેજ આવે છે અને ગ્રાહક લાઈટ શા કારણે ગઈ છે અને કેટલા સમયમાં આવશે તે જાણી શકતો નથી. વધુમાં વારંવાર વીજળી ગૂલ થવાની લોકોના મોંઘા ઈલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે. વીજતંત્ર દ્વારા લોકોની ફરિયાદ પર પુરતુ ધ્યાન આપવામાં નહી આવતું હોવાની રાવ ઉઠી છે અને તેનું મુખ્ય કારણ વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા આળસુ અને પેધી ગયેલા કર્મચારી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આવા કર્મચારીઓની બદલી થાય તથા વીજધાંધિયાનો પ્રશ્ન હલ થાય તેવું મહુવાવાસીઓ ઈચ્છી રહ્યાં છે.

વીજ પુરવઠો જળવાય રહે તે માટેની કામગીરી કરી રહ્યાં છીએઃ કાર્યપાલક ઈજનેક

આ મામલે મહુવા પીજીવીવીસીએલના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, વરસાદ બાદ માસ મેઈન્ટેનન્સની કામગીરી કરી છે તેમજ અમુક ટેકનિકલ બાબતોને કારણે વીજ વિક્ષેપ થાય છે તેના માટે જેટકો સાથે મળીને કામગીરી કરી રહ્યાં છીએ. આ ઉપરાંત લૉડ બેલેન્સિંગ કરવા માટેની સૂચના પણ આપી છે. શહેરમાં વીજ પુરવઠો જળવાય રહે તે માટેની કામગીરી કરી રહ્યાં છીએ.