બોટાદ, ધોળા, ઢસાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે સ્ટેશનો પરથી જનપ્રતિનિધિઓએ લીલીઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું
વેરાવળ-સાબરમતી-વેરાવળ વચ્ચે ગુરૃવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ટ્રેન ચાલશે
ભાવનગર - બોટાદ, ધોળા, ઢસાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળી છે. રેલવે સ્ટેશનો પરથી જનપ્રતિનિધિઓએ લીલીઝંડી દેખાડી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલવે બોર્ડ દ્વારા વેરાવળ-સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને પરિવર્તિત માર્ગથી ચલાવવા નિર્ણય કરતા આ આધુનિક ટ્રેનની સુવિધાનો લાભ ભાવનગર અને બોટાદ જિલ્લાના મુસાફરોને પણ મળતો થયો છે. આજે સોમવારે વંદે ભારત ટ્રેનનું તેના નવા નિર્ધારિત રેલવે સ્ટેશનો પરથી પ્રસ્થાન કરાવાયું હતું. જેમાં ઢસા, બોટાદ, ચીતલ, ધોળા સહિતના રેલવે સ્ટેશનો પર કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, ડીઆરએમ સહિતના રેલવેના અધિકારીઓ અને મુસાફર જનતા ઉપસ્થિત રહી નવી રેલ સેવાનું સ્વાગત કર્યું હતું.
પરિવર્તિત માર્ગ બાદ વેરાવળ-સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ હવે જૂનાગઢ, ચીતલ, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, ગાંધીગ્રામ સ્ટેશન પર ઉભી રહેશે. જેનાથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે ઝડપી, સુવિધાજનક અને આધુનિક રેલ કનેક્ટિવિટીને વેગ મળશે. બન્ને દિશામાં ગુરૃવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ટ્રેન દોડાવાશે. જેમાં વેરાવળથી વંદે ભારત ટ્રેન બપોરે ૩-૫૦ કલાકે ઉપડી રાત્રે ૧૦-૨૫ કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ઢસા ખાતે સાંજે ૬-૨૮, ધોળામાં ૬-૫૦, બોટાદ ખાતે ૭-૩૦, ધંધુકામાં ૮-૧૦ કલાકે તેમજ સાબરમતીથી ઉપડતી ટ્રેન ધંધુકા ૭-૩૫ કલાકે, બોટાદ ૮-૨૦, ધોળા ૮-૪૮, ઢસા ૯-૧૭ કલાકે પહોંચશે.
મુસાફરોને ઓન-બોર્ડ વાઈફાઈની સુવિધા મળશે
૮ કોચ સાથેની વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કાર શ્રેણીના ૭ અને એક્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીનો ૧ કોચ સામેલ રહેશે. દરેક કોચમાં પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ સ્ક્રીન લાગેલી છે. જેના માધ્યમથી આગામી સ્ટેશન, ટ્રેનની ઝડપ અને માર્ગ સબંધિત માહિતી મેળવી શકાય છે. દરેક સીટની નીચે મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટ ચાર્જિંગ સોકેટ અને યુએસબી પોર્ટ ઉપલબ્ધ છે. ટિકિટ બુકિંગ સમયે મુસાફરો બ્રેકફાસ્ટ, નાસ્તો અને ડિનરનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. જે સીટ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટ્રેનમાં ટચ ફ્રી અને આધુનિક બાયો વેક્યુમ શૌચાલય, દરેક કોચમાં ચા-કોફી, ગરમ પાણી માટે મિની પેન્ટ્રી, નાઈટ વિઝન સીસીટીવી કેમેરા, સેશન્સ આધારિત દરવાજા અને દિવ્યાંગ મુસાફરો માટે વ્હીલચેર અને અનુકૂચ શૌચાલય તેમજ ઓન-બોર્ડ વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવી છે.




