નારી ચોકડી પાસેથી વિદેશી દારૃ ભરેલી આઈસર સાથે બુટલેગર ગિરફ્તાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાડપત્રીની આડમાં બુટલેગરોએ રચ્યો હતો દારૃ છુપાવવાનો કીમિયો
એલસીબીએ વિદેશી દારૃ, આઈસર મળી ૬.૩૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો, સુભાષનગરના મુખ્ય શખ્સને પકડવા ચક્રો ગતિમાન
ભાવનગર - ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નારી ચોકડી નજીક સચોટ બાતમીના આધારે દરોડો પાડીને અમદાવાદ તરફથી આવતી એક આઈસર ટ્રકમાંથી તાડપત્રીની આડમાં ગેરકાયદે ઘૂસાડવામાં આવતો વિદેશી દારૃના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નારી ચોકડી પાસે બાતમી મળી હતી કે, આઈસર ગાડી (નંબર જીજે-૧૪-એટી-૮૯૬૦) માં તાડપત્રીની આડમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો લવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે સતનામ ઢાબા સામે વોચ ગોઠવી પોલીસે આઈસરને અટકાવી તપાસ કરતા તેમાંથી પુંઠાના ખોખા તથા કંતાનની થેલીઓમાંથી વિદેશી દારૃની નાની-મોટી ૫૦૪ બોટલો મળી આવી હતી.સ્થળ પરથી ગાડીના ચાલક અરવિંદ છગનભાઈ ડોડીયા (રહે. ગોરખી, તા. તળાજા)ની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે રૃ. ૧,૨૫,૦૫૦ ની કિંમતની ૫૦૪ બોટલ દારૃ, આઈસર ગાડી તથા મોબાઈલ મળી કુલ રૃ. ૬,૩૫,૦૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તદુપરાંત અરવિંદની કડક પૂછપરછમાં આ દારૃનો જથ્થો ભાવનગરના સુભાષનગર ખાતે રહેતા રાજુ ખેતાભાઈ સોલંકીએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર રાજુ સોલંકીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.




