ગઢડાના પીપળીયામાં ઉકરડો હટાવવા મામલે લોહિયાળ જંગ, દંપતી પર લોખંડના પાઇપ વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હુમલાખોર વિરૃદ્ધ ગઢડા પોલીસમાં ફરિયાદ
ઉકરડા પ્રશ્ને બોલાચાલી બાદ પડોશીએ દંપતીને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર - ગઢડા તાલુકાના પીપળીયા ગામે પાટી રોડ ઉપર આવેલા પ્લોટ પાસે ઉકરડો ખસેડવા બાબતે થયેલી તકરારમાં એક શખ્સે દંપતી પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જ્યારે વચ્ચે પડેલા તેમના પત્નીને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પીપળીયા ગામે રામજી મંદિર પાસે રહેતા ૫૨ વર્ષીય ખેડૂત ઈશ્વરભાઈ મોહનભાઈ નાવડીયા અને તેમના પત્ની સવારના સાતેક વાગ્યાના અરસામાં પાટી રોડ પર આવેલા પોતાના પ્લોટ ખાતે ગાય દોહવા માટે ગયા હતા. આ સમયે બાજુમાં રહેતો દેવરાજ ગીરધરભાઈ બાવળીયા મોટરસાઇકલ લઇને આવ્યો હતો અને પ્લોટની બાજુમાં રહેલ ઉકરડો દૂર કરવા બાબતે બોલાચાલી કરવા લાગ્યો હતો. ઈશ્વરભાઈએ બે-ત્રણ દિવસમાં ઉકરડો લઈ લેવાનું કહેતા શખ્સ ગિન્નાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.ગાળો બોલવાની ના પાડતાં દેવરાજએ પોતાના પ્લોટમાંથી લોખંડનો પાઇપ લાવી ઈશ્વરભાઈના માથામાં તથા ડાબા પગના સાથળના ભાગે ઝીંકી દીધો હતો. માથામાંથી લોહી વહેવા લાગતાં પતિને બચાવવા વચ્ચે પડેલા પત્નીને પણ શખ્સે આડેધડ માર મારી સાડી ફાડી નાખી હતી. હુમલા બાદ દેવરાજએ જો હવે પછી અહીંયા ઉકરડો રાખ્યો છે તો તને જીવતો રહેવા દેવાનો નથી તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો.ઈશ્વરભાઈને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ૪ ટાંકા આવ્યા હતા. પોલીસે ઈશ્વરભાઈની ફરિયાદના આધારે દેવરાજ ગીરધરભાઈ બાવળીયા વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ પટગીરે વધુ તપાસ હાથ ધરી છે.




