ભાવનગર લઠ્ઠાકાંડઃ દિલ્હીથી અમદાવાદ મિથેનોલ સપ્લાય કરનારા ત્રણ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધરપકડ કરાયેલા આરોપીઓનો આંકડો ૩૧ પર પહોંચ્યો
સ્ટેટ મોનિટરિંગ સેલે દિલ્હી પોલીસની મદદથી ઝડપેલા ત્રણેયને ટ્રન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ભાવનગર લાવવામાં આવશે
ભાવનગર - ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. નકલી દારૃ બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો કામે લાગી છે ત્યારે તપાસ એજન્સીને આ મામલે મોટી સફળતા મળી છે. ઝેરી દારૃ બનાવવા માટે દિલ્હીથી અમદાવાદ સુધી મિથેનોલ સપ્લાય કરનારા ત્રણ શખ્સને એસએમસીની ટીમે દિલ્હીથી ઝડપી લઈ ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ભાવનગર લાવવા તજવીજ ચાલી રહી છે. આમ, ભાવનગર લઠ્ઠાકાંડમાં કુલ આરોપીઓનો આંકડો ૩૧ પર પહોંચ્યો છે.
ભાવનગરમાં ઝેરી દારૃ પીવાથી ૧૩ માસૂમ લોકોના મોત અને ૬૦થી વધુ લોકો ભોગ બનવાની હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનાને પગલે ગેરકાયદે દારૃના કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. એસએમસીની ૧૬ ટીમે આ મામલે દિલ્લી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના જુદાં-જુદાં જિલ્લાઓમાં તપાસ આદરી હતી. આ કેસમાં અત્યાર સુધી ૨૮ આરોપીઓની ધરપકડ કરી એસએમસીએ રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ સપ્લાઈ ચેનના મૂળ સુધી પહોંચવાની કડીમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં દિલ્હીમાં રહેતા પ્રમોદકુમાર બુડાકોટી દ્વારા ઝેરી દારૃ બનાવવા મિથેનોલ દિલ્હીમાં રહેતા રોહિત પ્રધાન તથા કેશવ જાટવને ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવ્યું હોવાનું પ્રસ્થાપિત થયું છે. રોહિત અને કેશવ દ્વારા અન્ય આરોપીઓ મારફત ઝેરી દારૃ બનાવવાનો મિથેનોલ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન, અમદાવાદ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દિલ્હી પોલીસની મદદથી પ્રમોદ, રોહિત અને કેશવની ધરપકડ કરી ત્રણેયના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ગુજરાત (ભાવનગર) લાવવા પ્રક્રિયા કરવામાં આવી છે. આમ, ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાતા કુલ આરોપીઓ અને ઝડપાયેલા આરોપીઓને આંકડો ૩૧ પર પહોંચ્યો છે. નકલી દારૃ બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવાની દિશામાં પોલીસને મોટી સફળતા મળી છે. બીજી તરફ આ મામલે ભાવનગર પોલીસની ભૂંડી ભૂમિકાનો હિસાબ પણ થઈ રહ્યો છે.
ભાવનગર પોલીસ બેડાંમાં મોટાપાયે ફેરફારના સંકેત
ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં ભાવનગર પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને પણ ગાળિયો કસાય રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી ગગનદીપ ગંભીરે પોતે ભાવનગર એસપી કચેરી ખાતે ધામા નાખી પોલીસ અધિકારીઓથી લઈ કર્મચારીઓના નિવેદન લેવાની કામગીરી પ્રારંભી હતી. છેલ્લા ચારથી પાંચ દિવસ સુધી પૂછપરછ અને નિવેદનો નોંધવાની ચાલેલી કામગીરી ગતરોજ પૂર્ણ થયાં બાદ ગગનદીપ ગંભીરે કડક કાર્યવાહીના સંકેતા આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓને તપાસના કામે ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ભાવનગરમાં જ તમામના નિવેદનો નોંધવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં નોંધાયેલા તમામ નિવેદનો અને દસ્તાવેજોનું ઝીણવટભર્યું પૃથ્થકરણ ચાલી રહ્યું છે. આઈજીપીના જણાવ્યા અનુસાર, તપાસ પૂર્ણ થતાં જ દોષિતો સામે કડક ચાર્જશીટ અને આકરા કાનૂની પગલાં ભરવામાં આવશે.




