Bhavnagar

ભાવનગર લઠ્ઠાકાંડઃ ખાખીની બેદરકારી કે પાપમાં ભાગીદારી? એસએમસીના ધામા, કડક પૂછપરછથી ખળભળાટ

By GS Team
26 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં 13નાં મોત બાદ લઠ્ઠાકાંડની તપાસ તેજ બની છે. SMCની ટીમો સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. આઈજીપી ગગનદીપ ગંભીર ભાવનગર SP કચેરીમાં ઉચ્ચ અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધીના નિવેદનો લઈ રહ્યાં છે. 27 આરોપીઓ પકડાયા છે. આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર લઠ્ઠાકાંડઃ ખાખીની બેદરકારી કે પાપમાં ભાગીદારી? એસએમસીના ધામા, કડક પૂછપરછથી ખળભળાટ

ઉચ્ચ અધિકારીઓથી લઈને કર્મચારી સુધી દરેકના નિવેદનોનો દૌર શરૃ

સપ્લાય ચેઈનના મુળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટઃ મોડી રાત સુધી પુછપરછ અને નિવેદનો લેવાની કામગીરી ચાલી ઃ એસપી કચેરીમાં અજંપા ભરી શાંતિ

ભાવનગર -  ભાવનગર લઠ્ઠાકાંડમાં ૧૩ લોકોના મોત બાદ નકલી દારૃ બનાવનાર અને વેચનાર સપ્લાઈ ચેઈનના મુળ સુધી પહોંચવા એસએમસીની ટીમો તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. બીજી તરફ ભાવનગર પોલીસની શંકાસ્પદ ભૂમિકા તપાસવા માટે આઈજીપી ગગનદીપ ગંભીર તપાસ ચલાવી રહ્યાં છે. આ મામલે ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કર્મચારી સુધીના દરેકના નિવેદનો લેવામાં આવી રહ્યાં છે ત્યારે આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ સામે મોટી કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ભાવનગરમાં ઝેરી દારૃ પીવાથી ૧૩થી વધુ માસૂમના મોતથી અનેક પરિવારોનો માળા વિખેરાઈ ગયા છે અને ૬૦થી વધુ લોકો લઠ્ઠાકાંડથી ઇફેક્ટેડ થયા હતા. આ હૃદયદ્રાવક ઘટના બાદ જાગેલી પોલીસ પ્રણાલી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપસિંહ ગંભીર પોતે ભાવનગર એસપી કચેરી ખાતે ડેરા તંબૂ તાણીને બેઠા છે અને ખાખી વર્ધીધારીઓની 'ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી'નો ધમધમાટ શરૃ કર્યો છે. ખાખીના આકાઓથી લઈને સ્થાનિક થાણેદારો સુધી એસએમસીનો ચાબુક ફરી રહ્યો છે. ભાવનગર એસપી નિતેશ પાંડે, એએસપી ઘનશ્યામ ગૌતમ તેમજ એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, વરતેજ પીઆઈ એસ.બી.પઢેરિયા, નિલમબાગ પીઆઈ દીપક ઉનડકર અને સોનગઢ પીઆઈ જે.એન.દેસાઈ સહિતના અધિકારીઓને એક પછી એક બોલાવીને આકરા નિવેદનો લેવાઈ રહ્યા છે. પોલીસની નાક નીચે જ ડુપ્લીકેટ અને ઝેરી દારૃ બનાવવાનો કાળો કારોબાર ધમધમતો રહ્યો, તેમાં આ અધિકારીઓની આંખ આડા કાન કરવાની 'બેદરકારી' હતી કે પછી સુપરવિઝનના નામે માત્ર કાગળ પરના ઘોડા દોડાવવામાં આવ્યા હતા? તે અંગે કડક ખુલાસા પૂછવામાં આવી રહ્યા છે. તપાસમાં સૌથી સનસનાટી ભર્યો ખુલાસો એ થયો છે કે, મધ્યપ્રદેશ (ઉજ્જૈન)થી ભાવનગર આવેલા નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિનું શંકાસ્પદ સંજોગોમાં મોત થવા છતાં તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ મૃતદેહ વતન રવાના કરી દેવાયો હતો! આ ગંભીર પાપમાં નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફની ભૂમિકા અત્યંત શંકાસ્પદ માનવામાં આવી રહી છે. આ ગુનાહિત કાંડમાં ૨૧ અસામાજિક તત્વો સામે નામજોગ એફઆરઆઈ નોંધવામાં આવી હતી. તબક્કાવાર કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં કુલ ૨૭ ઝેરી દારૃના સોદાગરોને દબોચી લેવામાં આવ્યા છે. એસએમસીની ૧૬ ટીમો રાત-દિવસ એક કરીને કામ કરી રહી છે. ૮ ટીમો ભાવનગરમાં સ્થાનિક સ્તરે સીસીટીવી ફૂટેજ ફંફોસી રહી છે કે પોલીસ સ્ટેશનોમાં કયા શંકાસ્પદ બુટલેગરો અને વચેટિયાઓની અવરજવર હતી! જ્યારે ૪ ટીમો મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી જેવાં રાજ્યોમાં આ ઝેરી રસાયણના મૂળ સુધી પહોંચવા ધામા નાખીને બેઠી છે ત્યારે જિલ્લા પોલીસવડાની કચેરીમાં અજંપા ભરી શાંતિ છવાયેવી છે. ખાખીના મેલા ખેલ પરથી હવે પરદો ઊંચકાવવાની ઘડીઓ ગણાઈ રહી છે.

અધિકારી-કર્મચારીઓના બે ફેઝમાં નિવેદનો લેવાઈ રહ્યાં છે

ભાવનગર લઠ્ઠાકાંડમાં ભાવનગર પોલીસની ભૂમિકા તપાસવા માટે જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓના બે ફેઝમાં નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રથમ ફેઝમાં કોન્ફરન્સ હોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા પુછપરછ કરી નિવેદન લેવામાં આવ્યા બાદમાં બીજા ફેઝમાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ઓફિસમાં આઈજીપી ગગનદીપ ગંભીર અને સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી પુછપરછ કરી નિવેદન લઈ રહ્યાં છે.