Bhavnagar

ભાવનગર લઠ્ઠાકાંડઃ મધ્યપ્રદેશથી મિથેનોલના સપ્લાયર સહિત વધુ ૧૩ની ધરપકડ, કોર્ટે તમામના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

By GS Team
24 Aug 20264 mins read
TukuTouch Logo
ભાવનગરમાં લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સહિત 27 આરોપીઓ ઝડપાયા છે. 13 નિર્દોષોના મોત થયા હતા, જ્યારે હોસ્પિટલમાંથી તમામ દર્દીઓને રજા અપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કેમિકલ સપ્લાયની કડીઓ મેળવવા મધ્યપ્રદેશ રવાના થઈ છે. પકડાયેલા 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ કેસમાં વધુ ખુલાસાની અપેક્ષા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર લઠ્ઠાકાંડઃ મધ્યપ્રદેશથી મિથેનોલના સપ્લાયર સહિત વધુ ૧૩ની ધરપકડ, કોર્ટે તમામના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

૧૩ નિર્દોષેના મોત, હોસ્પિટલમાંથી તમામ દર્દીઓ ડિસ્ચાર્જ

મુખ્ય સૂત્રધાર સહિત ૨૭ ઝબ્બે, કેમિકલ સપ્લાયની કડીઓ મેળવવા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મધ્યપ્રદેશ જવા રવાના

ભાવનગર -  ભાવનગરના લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશથી મિથેનોલ સહિતનું રો-મટિરિયલ સપ્લાય કરનાર સહિત ૧૩ આરોપીઓને પોલીસે ઝડપી લઈ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યાં કોર્ટે તેમના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. હાલ આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત ૨૭ આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે. બીજી તરફ કેમિકલની સપ્લાયની કડી મેળવવા માટે એસએમસીની એક ટીમ મધ્યપ્રદેશ જવા રવાના થઈ છે.

ભાવનગર જિલ્લામાં વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયેલા વિનાશક અને ચકચારી લઠ્ઠાકાંડમાં કાયદાનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. આ ઝેરી રસાયણકાંડમાં ૧૩ જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૬૦થી વધુ લોકો તેની ગંભીર અસરો હેઠળ સારવાર હેઠળ આવ્યા હતા. જોકે, તબીબોની ભારે જહમત બાદ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળના તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવતા દર્દીઓની સંખ્યા શૂન્ય થઈ ગઈ છે, જે રાહતના સમાચાર છે. પરંતુ આ માનવસજત આપત્તિ પાછળ રહેલા ગુનાહિત નેટવર્કને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલએ આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. આ ચકચારી કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવી વધુ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ મુખ્ય આરોપી રઈશ અન્સારી સહિત ૧૪ આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવી ચૂક્યા હતા. આ સાથે જ આ કેસમાં કાયદાકીય શિકંજામાં સપડાયેલા કુલ આરોપીઓની સંખ્યા ૨૭ પર પહોંચી ગઈ છે. સૌથી મહત્વની સફળતા એ મળી છે કે આ ઝેરી દારૃ બનાવવા મિથેનોલ સહિતનું રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ રાકેશભાઈ છાડી અન્ય કોઈ ગુનામાં મધ્યપ્રદેશની જેલમાં હોય તેને મધ્ય પ્રદેશના રાયગઢ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરીને તેને ભાવનગર લાવવામાં આવ્યો છે. પોલીસને દ્રઢ શંકા છે કે તે મધ્યપ્રદેશથી દારૃ બનાવવા માટેનું અત્યંત જોખમી રો-મટીરિયલ સપ્લાય કરતો હતો. જોકે, આ ગુનાહિત સિન્ડિકેટનો અન્ય એક મહત્વનો આરોપી ઝુબેર હજુ પણ પોલીસ પકડથી દૂર ભાગતો ફરી રહ્યો છે, જેને ઝડપી પાડવા માટે એસએમસીની અલગ-અલગ ટુકડીઓ દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશમાં ધામા નાખીને બેઠી છે.તો બીજી તરફ પકડાયેલા ૧૩ આરોપીઓને એસએમસી દ્વારા ભાવનગરની સ્થાનિક કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ પાસાઓની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ આરોપીઓના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યાં છે. રિમાન્ડ દરમિયાન આ કાળા કારોબારના અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સમગ્ર તપાસનો ધમધમાટ તેજ કરવા માટે એસએમસીના ઉચ્ચ અધિકારીઓ પોતે ભાવનગરમાં ડેરા તંબુ તાણીને બેઠા છે. એસએમસીના આઈજીપી ગગનદીપ સિંહ ગંભીર, ડીઆઈજી વિશાલકુમાર વાઘેલા અને એસપી મયુરસિંહ ચાવડા ભાવનગર ખાતે સ્થળ પર હાજર રહીને તપાસનું સીધું સુપરવિઝન કરી રહ્યા છે. બીજી તરફ, વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસની નાકની નીચે દારૃ બનાવવા માટેની મિની ફેક્ટરી ધમધમતી હતી છતાં સ્થાનિક પોલીસ કે પછી ક્રાઇમ બ્રાન્ચ, અને સ્પેશિયલ ઓપરેશનગૃપ જેવી વિશેષ શાખાઓ સંપૂર્ણપણે અજાણ કેમ રહી? તે સવાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસની કથિત નિષ્ફળતા અને ઘોર બેદરકારી બદલ ૨ પોલીસ ઇન્સ્પેક્ટર  અને ૫ કોન્સ્ટેબલોને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓની આ આરોપીઓ સાથે સીધી કે આડકતરી મિલીભગત હતી કે કેમ તે દિશામાં પણ ડીજીપીના સ્પષ્ટ આદેશથી હાઈ-લેવલ તપાસ ચાલી રહી છે.

આ આધાર પર પોલીસે રિમાન્ડ માંગ્યા

ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા વધુ ૧૩ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી આંતરરાજ્ય નકલી દારૃના કાળા કારોબાર, કેમિકલની સપ્લાય ચેઇન જેમાં કેમિકલ કંઈ રીતે, કોની પાસેથી અને કેવી રીતે મેળવેલ તે દિશામાં તપાસ કરવા અને નાણાંકીય લેવડદેવડ, નકલી દારૃ કોને વેચ્યો તથા ટ્રાન્સપોર્ટમાં મોકલેલા મુદ્દામાલના પુરાવા મેળવવાના સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હોવાનું સરકારી વકિલ ભગીરથસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.

લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા વધુ ૧૩ આરોપીઓ

- અરવિંદ ઉર્ફે પાંડે દિનેશભાઈ સોલંકી

- સંજય ઉર્ફે ૪૦૪૦ નાનુભાઈ મકવાણા

- નિતીનભાઈ ઉર્ફે મુના દેવજીભાઈ મોરી

- આનંદ રાકેશભાઈ છાંડી (રહે.મધ્યપ્રદેશ)

- કિશોર ઉર્ફે પોચો છનાભાઇ સોલંકી

- મયુર વિનોદભાઇ સોલંકી

- સંજયભાઇ દેવજીભાઇ મોરી

- મુકેશ ઉર્ફે કચોરી ગોવિંદભાઇ બારૈયા

- સંજય ઉર્ફે ચકરમ ધનજીભાઇ બારૈયા

- નીર્મલસિંહ ગંભીરસિંહ વાધેલા

- પાર્થરાજસિંહ હરેન્દ્રસિંહ ગોહીલ

- સંજય રાવતભાઇ ચાવડા

- ભાગીરથસિંહ સહદેવસિંહ ગોહિલ