Bhavnagar

અમરગઢમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન પર હુમલો

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
સિહોરના અમરગઢ ગામે SBI બેંક પાસે શંકાસ્પદ હાલતમાં મળેલા અમિત હરણને સોનગઢ પોલીસે રોકતા તેણે ઝઘડો કર્યો. તેણે અન્ય શખ્સ નિલેશને બોલાવી હેડ કોન્સ્ટેબલ અને GRD જવાનને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે 2 શખ્સો સામે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરગઢમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી  જવાન પર હુમલો

સોનગઢ પોલીસ મથકમાં બે શખ્સ સામે ગુનો

એસબીઆઈ સામે શંકાસ્પદ હાલતે મળી આવેલા શખ્સને તપાસતા પોલીસકર્મી સાથે ઝઘડો અને ફરજમાં રૃકાવટ કરી

સિહોર -  સિહોર તાલુકાના અમરગઢ ગામે મોડી રાત્રે એસબીઆઈ બેંક સામે શંકાસ્પદ હાલતે જોવા મળેલા શખ્સને સોનગઢ પોલીસના કર્મચારીએ તપાસતા તેમની સાથે ઝઘડો કરી અન્ય શખ્સને બોલાવી હેડ કોન્સ્ટેબલ તથા જીઆરડી જવાનને અપશબ્દો કહી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ સોનગઢ પોલીસ મથકમાં બે શખ્સ સામે નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોનગઢ પોલીસ મથકના અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રવજીભાઈ કાઠીયા ગત રાત્રીના નાઈટ રાઉન્ડમાં અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ફરજમાં હતા ત્યારે અમરગઢ (જીંથરી) ગામે એસબીઆઈ બેંકની સામે મોટર સાયકલ સાથે એક શખ્સ શંકાસ્પદ હાલતે હોય જેને તપાસતા પોતે અમિત ભોળાભાઈ હરણ હોવાનું અને અમરગઢ ગામનો હોવાનું જણાવ્યું હતું તથા તમને મને પુછવાનો કોઈ અધિકાર નથી અને તમે મને પુછી ન શકો તેમ જણાવી ઉશ્કેરાઈ જઈ તેમને પકડી રાખી માર મારી તેના કુટુંબી નિલેશભાઈને બોલાવી જાનથી મારી નાખવાના ઈરાદે લાકડી વડે માર મારી તેમને બચાવવા વચ્ચે પડેલા જીઆરડી જવાનને માર મારી ઈજા કરી અન્ય કર્મચારીઓ વચ્ચે પડતા નિલેશભાઈ ત્યાંથી ભાગી ગયા હતા, જ્યારે અમિતભાઈને ઝડપી લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ અંગે શક્તિસિંહ રવજીભાઈ કાઠીયાએ સોનગઢ પોલીસ મથકમાં અમિત ભોળાભાઈ હરણ અને નિલેશભાઈ રબારી (બન્ને રહે. અમરગઢ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજ રૃકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.